મુંબઈથી ગુજરાત જતી ટ્રેનોમાં ભીખ માગતાં બાળકો, મહિલાઓ ને વ્યંડળો સામે પોલીસની વિશેષ કાર્યવાહી

24 July, 2025 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ દિવસમાં ૧૬૩૨ લોકોને પકડીને દોઢ લાખ રૂપિયા કરતાં વધારે ફાઇન વસૂલ કરવામાં આવ્યો

બોરીવલી RPF દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પકડાયેલા ભિક્ષુકો.

બોરીવલી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અધિકારીઓએ સ્પેશ્યલ ટીમ તૈયાર કરીને છેલ્લા ૧૦ દિવસમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસમાં ભીખ માગતાં ૧૬૩૨ બાળકો, મહિલાઓ અને વ્યંડળોને પકડીને તેમની પાસેથી દોઢ લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી હતી. આ ઉપરાંત સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં ગેરકાયદે રીતે જનરલ ટિકિટ  પર મુસાફરી કરતા ૨૪૪ મુસાફરો પર કાર્યવાહી કરીને ૧,૩૨,૮૫૫ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવેનાં વિવિધ રેલવે અસોસિએશનો, પ્રવાસી અસોસિએશન અને મુસાફરો પાસેથી મળેલી ફરિયાદના આધારે સાદાં કપડાંમાં ૧૦થી વધારે ટીમો સ્લીપર અને ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં તહેનાત કરવામાં આવી હતી. દરમ્યાન મુસાફરો પાસે ભીખ માગીને તેમને પરેશાન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

બોરીવલી RPFના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુસાફરો અને વિવિધ અસોસિએશનોએ ગુજરાત જતી એક્સપ્રેસ ટ્રેનોના સ્લીપર અને AC કોચમાં ભીખ માગતાં બાળકો અને વ્યંડળો ખૂબ જ પરેશાન કરતાં હોવાની ફરિયાદો કરી હતી. ઉપરાંત ભીખ માગવા આવતા વ્યંડળો મુસાફરોની મારઝૂડ કરતા હોવાનું પણ અનેક વાર સામે આવ્યું હતું. ગેરકાયદે પ્રવૃત્તિઓને પકડવા અને રોકવા માટે સાદાં કપડાંમાં મુંબઈના બોરીવલી ડિવિઝન દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ખાસ ચેકિંગ-ઝુંબેશ ચલાવીને ૧૦ દિવસમાં કુલ ૧૬૩૨ લોકોને પકડવામાં આવ્યા હતા. એમાં ૨૯૮ ગેરકાયદે હૉકર્સ, ટ્રેનોમાં ભીખ માગીને મુસાફરોને હેરાન કરતા ૧૦૦ કિન્નરો, દિવ્યાંગ કોચમાં ગેરકાયદે મુસાફરી કરતા ૮૮૯ મુસાફરો અને મહિલા કોચમાં મુસાફરી કરતા ૮૦ પુરુષ મુસાફરોનો સમાવેશ થાય છે. સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં જનરલ ટિકિટ પર ગેરકાયદે મુસાફરી કરતા ૨૪૪ મુસાફરો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.’

borivali railway protection force mumbai trains indian railways gujarat mumbai western railway central railway news mumbai news mumbai police travel travel news