11 July, 2025 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર સંદીપ સાંગવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિધાનસભામાં લક્ષ્યવેધી કાર્યકાળમાં બોરીવલી વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે શિક્ષણ વિભાગના પાવરફુલ અધિકારી અને ડેપ્યુટી ડિરેક્ટર સંદીપ સાંગવે પાછલી તારીખો દર્શાવીને લાખો રૂપિયા ઉપાડે છે એટલું જ નહીં, બહુ ભ્રષ્ટાચાર કરે છે એવી રજૂઆત કર્યા બાદ શિક્ષણપ્રધાન દાદાસાહેબ ભુસેએ સંદીપ સાંગવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવી જાહેરાત કરી હતી.
સંજય ઉપાધ્યાયે સંદીપ સાંગવે પર ગંભીર આરોપ કરતાં કહ્યું હતું કે ‘આ મહાપાવરફુલ અધિકારી મારું કોઈ કંઈ પણ વાંકું નહીં કરી શકે એમ બોલતો હતો. તેણે પાછલી તારીખો નાખી લાખો રૂપિયા ઉપાડીને સેંકડો ફાઇલ મંજૂર કરી હતી. આ અધિકારીએ પ્રશાસનની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. તેની સામે લક્ષ્યવેધી પ્રસ્તાવ રજૂ થવાનો છે એવી ખબર પડી ત્યારે તેના અનેક દલાલો મારી પાસે આવી ગયા હતા એટલું જ નહીં, તમે આ બાબતે વિધાનસભામાં રજૂઆત કરી જ નહીં શકો એવી મને ખુલ્લી ચૅલેન્જ આ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓ મારા પર રેકી કરતા હતા. એક પણ વિધાનસભ્ય મારી સામે કંઈ પણ નહીં કરી શકે એવો પડકાર વારંવાર આપવામાં આવતો હતો. તેની સામે ઇન્ક્વાયરી ચાલુ હતી એ દરમ્યાન પણ તેણે ખોટી મંજૂરીઓ આપી હતી.’
સંજય ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘સંદીપ સાંગવે ૧૩ વર્ષથી એક જ ખાતામાં છે. મારી સામે પ્રશ્ન ન પૂછો, તમારું બધું કામ કરાવી આપીશ એવી ખુલ્લી ઑફર તે કરે છે.’
આ અધિકારી આટલો પાવરફુલ કઈ રીતે છે એવો સવાલ પણ સંજય ઉપાધ્યાયે વિધાનસભામાં કર્યો હતો.
શિક્ષણપ્રધાને શું કહ્યું?
શિક્ષણપ્રધાન દાદા ભુસેએ આ બાબતે જવાબ આપતાં કહ્યું હતું કે ‘આ પ્રકરણની તપાસ કરવા માટે ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને એજ્યુકેશન એક્સપર્ટની કમિટી બનાવવામાં આવશે. કોઈને પણ છાવરવામાં નહીં આવે. ત્યાં સુધી સંદીપ સાંગવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’