07 September, 2026 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India) ને માહિમ સ્થિત એક ભાગીદારી પેઢીના મિલકતના મૂળ ટાઇટલ દસ્તાવેજો ખોવાઈ જવા બદલ પ્રતિદિન રુપિયા ૫,૦૦૦ નું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ડિવિઝન બેંચે ચુકાદો આપ્યો છે કે જાહેર ક્ષેત્રની આ બેંકે ૧ ડિસેમ્બર, ૨૦૨૩ થી જ્યાં સુધી તે સંપૂર્ણ ટાઇટલ રેકોર્ડ્સ ફરીથી તૈયાર ન કરે અને કાયદાકીય રીતે માન્ય પ્રમાણિત નકલો લોનધારકને ન સોંપે ત્યાં સુધી આ દૈનિક દંડ ચૂકવવો પડશે.
આ મામલો `મેસર્સ ઇન વોગ ક્રિએશન્સ` નામની ભાગીદારી પેઢીનો છે, જેણે ૧૯૭૯માં લોન મેળવવા માટે પ્રભાટેક સ્થિત બે ઔદ્યોગિક ટેનામેન્ટ્સના મૂળ ટાઇટલ ડીડ્સ અને તલોજા MIDC માં એક પ્લોટની લીઝ ડીડ એસબીઆઈની દાદર કોમર્શિયલ શાખામાં ગીરો મૂકી હતી. જોકે આ પેઢીએ ઓગસ્ટ ૨૦૦૩ માં લોનની તમામ ચુકવણી કરી દીધી હતી, પણ બે દાયકા પછી ૨૦૨૩ માં પોતાના મૂળ દસ્તાવેજો પરત મેળવવા માટે બેંકનો સંપર્ક કર્યો હતો.
બેંકે જુલાઈ ૨૦૨૩ માં સત્તાવાર નો-ડ્યુઝ સર્ટિફિકેટ જારી કર્યું હતું પરંતુ ડિસેમ્બર ૨૦૨૩ માં સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે શાખાના સ્થળાંતર બાદ તે મિલકતના મૂળ દસ્તાવેજો શોધવામાં અસમર્થ છે.
હાઇકોર્ટમાં રજૂઆતો કરતી વખતે, એસબીઆઈના કાઉન્સિલે દલીલ કરી હતી કે પેઢીએ લોનની ચુકવણી કર્યાના ૧૫ વર્ષથી વધુ સમય પછી દસ્તાવેજો પરત માગ્યા હતા. બેંકે દલીલ કરી હતી કે તેણે ગાયબ થયેલી ફાઇલો અંગે પહેલાથી જ એફઆઈઆર (FIR) નોંધી છે અને બેંકિંગ લોકપાલના નિર્દેશ મુજબ રુપિયા ૧ લાખ ચૂકવી દીધા છે, જેથી આ બાબતનો ઉકેલ આવી જવો જોઈએ.
જોકે, કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ રવીન્દ્ર વી. ઘુગે અને ન્યાયમૂર્તિ ગૌતમ એ. અંખડની ડિવિઝન બેંચે એસબીઆઈની દલીલોને ફગાવી દીધી હતી. બેંચે ચુકાદો આપ્યો હતો કે જામીનગીરીના દસ્તાવેજોને સુરક્ષિત રાખવા, ઓળખવા, પુનઃપ્રાપ્ત કરવા અને પરત કરવાની સંપૂર્ણ જવાબદારી માત્ર બેંકની છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટાઇટલ ડીડ્સને સુરક્ષિત રીતે રાખવાની બેંકની ફરજ એ વાત પર નિર્ભર નથી કે લોનધારક તરત જ તેને પરત માગે છે કે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ જારી કરાયેલા પરિપત્રનો ઉલ્લેખ કરીને બેંચે નોંધ્યું હતું કે લોનની ચુકવણી પછી મૂળ મિલકતના દસ્તાવેજો તુરંત પરત કરવા એ જવાબદાર ધિરાણનો મુખ્ય ભાગ છે. આરબીઆઈનો પરિપત્ર ૩૦ દિવસથી વધુ સમય માટે મૂળ ટાઇટલ દસ્તાવેજો પરત કરવામાં વિલંબ માટે પ્રતિદિન રુપિયા ૫,૦૦૦ ના દંડની જોગવાઈ કરે છે.
અદાલતે ચુકાદો આપ્યો હતો કે લોકપાલના આદેશ હેઠળ એસબીઆઈ દ્વારા અગાઉ ચૂકવવામાં આવેલા રુપિયા ૧ લાખને ૧ ડિસેમ્બર, ૨૦૨૩ થી જમા થયેલા કુલ વળતરમાં એડજસ્ટ કરવામાં આવશે. મૂળ ટાઇટલ ડીડ્સ ખોવાઈ જવાથી મિલકત માલિકની તે સંપત્તિ વેચવાની, ટ્રાન્સફર કરવાની કે ગીરો મૂકની ક્ષમતા ગંભીર રીતે મર્યાદિત થઈ જાય છે તે બાબત પર ભાર મૂકીને અદાલતે એસબીઆઈને પ્રમાણિત નકલો ઝડપથી મેળવવા અને પેઢીના ટાઇટલ રેકોર્ડ્સ ફરીથી તૈયાર કરવામાં મદદ કરવા આદેશ આપ્યો છે.