મૂર્તિકારોને અદાલતની સલાહ

25 April, 2025 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

PoPના વિકલ્પ પર કામ હમણાંથી જ ચાલુ કરી દો, કોર્ટના ચુકાદાની વાટ ન જુઓ

સ્ટર ઑફ પેરિસ (PoP)ની ગણેશ અને અન્ય મૂર્તિ

બૉમ્બે હાઈ કોર્ટે પ્લાસ્ટર ઑફ પેરિસ (PoP)ની ગણ‌ેશ અને અન્ય મૂર્તિ સંદર્ભે હાલ ચાલી રહેલી સુનાવણીમાં મૂર્તિકારોને બહુ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ‘જો તમે PoPની મૂર્તિનો વિકલ્પ જ નહીં આપો તો લોકો શાડૂની જ મૂર્તિ ખરીદશે. એથી કોર્ટના કેસમાં શું ચુકાદો આવે છે એની રાહ જોયા સિવાય તમે હમણાંથી જ PoPની મૂર્તિના વિકલ્પ પર કામ કરવા માંડો. દીર્ઘદૃષ્ટિ વાપરી જવાબદાર નાગરિક તરીકે તમારે આમ કરવું જોઈએ, કારણ કે એ આવનારી પેઢી માટે સારું હશે.’ 

સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે ૨૦૨૦ની ૧૨ મેએ જ ગાઇડલાઇન બહાર પાડી દેશભરમાં PoPની મૂર્તિ પર બંધી મૂકી દીધી છે. એ ઉપરાંત એનો અમલ કરવા સુપ્રીમ કોર્ટ સહિત અનેક હાઈ કોર્ટે નિર્દેશ આપ્યા છે છતાં મુંબઈ, મહારાષ્ટ્રમાં એને અનુસરવામાં આવતું નથી, જેને કારણે પર્યાવરણને નુકસાન થાય છે. આ સંદર્ભેની યાચિકા પર્યાવરણપ્રેમી રોહિત જોશી, સરિતા ખાનચંદાની અને અન્યોએ કરી છે. આ યાચિકાના વિરોધમાં પણ અરજીઓ કરવામાં આવી છે. 

આ બાબતની સુનાવણી કરતી વખતે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ મકરંદ કર્ણિકેની બૅન્ચે કહ્યું કે ‘સેન્ટ્રલ પૉલ્યુશન બૉર્ડની જોગવાઈ પ્રમાણે PoPની મૂર્તિઓ જળાશયોમાં વિસર્જિત કરવા પર બંધી છે ત્યારે બીજી કોઈ પણ કાયદેસર રીતે એ વિસર્જન કરવાનો હક્ક છે કે કેમ? એ મુખ્ય સવાલ છે. એથી આ બાબતે બધા જ પક્ષકારોની રજૂઆત સાંભળી શકાય એ માટે લાંબી સુનાવણી લેવી પડશે એથી એને આપણે ઉનાળુ વેકેશન પછી રાખીએ.’

કોર્ટના આ કહ્યા બાદ મૂર્તિકારોના વકીલ દ્વારા રજૂઆત કરતાં કહેવાયું કે મૂર્તિકારોને મૂર્તિ બનાવવામાં ૯૦ દિવસનો સમય લાગતો હોય છે, એથી ઉનાળુ વેકેશન પહેલાં જ એના પર સુનાવણી લેવાય તો સારું. ત્યારે કોર્ટે કહ્યું હતું કે ચુકાદાની રાહ ન જુઓ. એક જવાબદાર નાગરિક તરીકે PoPના વિકલ્પ પર કામ કરવાનું ચાલુ કરી દો.

bombay high court environment maharashtra maharashtra news supreme court festivals news mumbai mumbai news