15 April, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેટ્રોના પિલર પર બીમ બેસાડવાની કામગીરી દરમિયાન ક્રેન પલટી થયાની ઘટનાના વિડીયોમાંથી સ્ક્રીનશૉટ (સૌજન્ય- સ્પેશિયલ અરેંજમેન્ટ)
BKC Metro Site Crane Overturns: મુંબઈમાંથી મોટા હાદસાના અહેવાલો મળી રહ્યા છે. આજે બુધવારે મુંબઈના અતિ વ્યસ્ત ગણાતા બાંદરા-કુર્લા કોમ્પલેક્ષમાં મેટ્રોકામ દરમિયાન મોટો એક્સિડન્ટ થયો છે. અહીં મેટ્રોના પિલર પર બીમ બેસાડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બીમને ઉપાડીને ગોઠવી રહેલી ક્રેન અચાનકથી પલટી ખાઈ ગઈ હતી. જોકે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ તો નથી પરંતુ આ કામગીરીમાં જોડાયેલા કેટલાક મજૂરો જખમી થયાના રિપોર્ટ્સ મળી રહ્યા છે. જ્યારે મેટ્રો સ્ટેશન પર બે ક્રેનની મદદથી પ્રીકાસ્ટ (પ્રિફેબ્રિકેટેડ કોંક્રિટ) બીમને બેસાડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક ક્રેન ટેકનિકલ ફેલ્યરને કારણે પલટી ગઈ હતી. જેને કારણે બીમ હતો તે પણ એક બાજુ નમી ગયો હતો.
આજે બુધવારે વહેલી સવારે આ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના કામ દરમિયાન આ ભયાવહ ઘટના (BKC Metro Site Crane Overturns) બની છે. મેટ્રો પુલના થાંભલા પર ભારેખમ બીમને ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ ક્રેન પલટી ખાઈ જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બીમના ભારે વજનને કારણે વિશાળ ક્રેન બેલેન્સ ચૂકી ગયું હતું અને આ ક્રેનની સાથે બીમ પણ નીચે પટકાઈ ગયો હતો. આ એક્સિડન્ટથી વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. બીમના લિફ્ટિંગ વખતે ગિયર ફેલ્યરને કારણે આ એક્સિડન્ટ થયો છે. આને યાંત્રિક ખામી કહી શકાય. મર્યાદિત જગ્યાને કારણે બે ક્રેન ગોઠવવામાં આવી હતી, એક તરફ ઇમારતો હતી અને બીજી તરફ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી"
આ બનાવની જાણ થતાં જ મુંબઈ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે દોડતી આવી (BKC Metro Site Crane Overturns) ગઈ છે અને યુદ્ધના ધોરણે રાહત કામગીરી કરવામાં આવી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે દોડતી આવી છે. હાલમાં ઘટનાસ્થળેથી તૂટી પડેલી ક્રેન અને બીમ બંનેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ આ સમગ્ર એક્સિડન્ટની તપાસ પણ કરવામાં આવી રહી છે કે ક્રેનમાં ટેક્નિકલ ફેલ્યરને કારણે આ ઘટના બની કે સિક્યુરિટીના નિયમોની બેદરકારી જવાબદાર છે?
બાંદરા કુર્લા કોમ્પલેક્ષમાં બનેલી આ દુર્ઘટના (BKC Metro Site Crane Overturns)ને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને કુર્લા પર ટ્રાફિકને પણ અસર પહોંચે તેવી શક્યતા છે. આઈસીઆઈસીઆઈ બેંક બેસ્ટ બસ સ્ટોપ સિગ્નલ પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ડાયમંડ માર્કેટના અંદરના ભાગમાંથી કુર્લા તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. કુર્લા જનાર વાહનોની વાત કરવામાં આવે તો હાલ વાહનોને ડાયમંડ માર્કેટ ગેટ નં. આઠ પાસેથી જ વાળવામાં આવ્યા હોઇ આ બધા જ વાહનો ધીરુભાઈ અંબાણી ચોક પરથી યુ-ટર્ન લઈ શકે છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે/ભારત નગર જનાર વાહનોની વાત કરીએ તો કુર્લાથી આવતા વાહનોને ડાયમંડ માર્કેટ સિગ્નલ પર ડાબેથી વળીને અંદરથી બાજુએથી બહાર નીકળી શકાશે. વહીવટીતંત્રે નાગરિકોને આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળવા અને જ્યાં સુધી તપાસ અને બીમ દૂર કરવાની કામગીરી ચાલુ ન રહે ત્યાં સુધી શક્ય હોય તો વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાની ભલામણ કરેલ છે.