દાદરમાં ગેરકાયદે બંગલાદેશી મુસ્લિમ ફેરિયાઓ પર ત્રાટકી હિન્દુ શેરની

29 April, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષતા તેન્ડુલકરે પહેલાં વિડિયો સોશ્યલ મીડિયામાં ચેતવણી આપી હતી કે ફેરિયા ચાલતી નહીં પકડે તો અમે તેમને મારીને ભગાડીશું : ફેરિયાઓએ ચેતવણીને અવગણતાં માર્કેટમાં જઈને ગેરકાયદે ફેરિયા સામે કાર્યવાહી કરી

અક્ષતા તેન્ડુલકરે દાદરમાં ફેરિયાઓ સામે ગઈ કાલે કાર્યવાહી કરી હતી.

આતંકવાદીઓએ મંગળવારે કાશ્મીરના પહલગામમાં પરિવાર સાથે ફરવા ગયેલા લોકોને તેમનો ધર્મ પૂછી હિન્દુ પર્યટક પુરુષોને તેમનાં બાળકો, પત્ની સામે બેરહેમીથી ગોળી મારી તેમની હત્યા કરી હતી. એ ઘટનાના વિડિયો અને પ​રિવારજનોના આક્રંદના ફોટો સોશ્યલ મીડિયા અને સમાચારમાં સતત આવી રહ્યા છે. એ જોઈને લોકોમાં ભારે રોષ, આક્રોશ ફેલાયેલો છે. સરકાર, પોલીસ, સૈન્ય એની રીતે કાર્યવાહી કરશે જ, પણ આપણે શા માટે મુસ્લિમ લોકોને ધંધો આપી તેમને આર્થિક આશ્રય આપવો જોઈએ? એવો તીખો અને સ્પષ્ટ અભિગમ દર્શાવી દાદરમાં રહેતાં અક્ષતા તેન્ડુલકરે નામની મહિલાએ જોરદાર વિડિયો બનાવી પહેલાં તેમને ચેતવણી આપી હતી. એ પછી ગુરુવારે કાર્યકરો સાથે દાદર માર્કેટમાં જઈ ધંધો કરતા મુસ્લિમ ફેરિયાને ફટકાર્યા હતા. આ બાબતે હવે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં તેમની અને અન્ય ૭ કાર્યકરો સામે ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.    

ભારતીય જનતા પાર્ટી (BJP)નાં માહિમનાં પ્રેસિડન્ટ અક્ષતા તેન્ડુલકરે પહેલાં વિડિયો બનાવ્યો હતો. તેમણે એ વિડિયોમાં કહ્યું હતું કે ‘બંગાળના મુસ્લિમો હિન્દુઓનાં ઘર પર હુમલા કરે છે. સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે. એવું નથી કે તેઓ બંગલાદેશીઓ છે. માલદા અને મુર્શિદાબાદના મુ​સ્લિમો પણ આવું કરી રહ્યા છે તો પછી આપણે શા માટે એ બંગાળી મુસ્લિમ ફેરિયાઓને અહીં ધંધો કરવા દેવો જોઈએ? હું બધા જ હિન્દુઓને તથા દાદરના હિન્દુ રહેવાસીઓને આહ્‍‍વાન કરીશ કે તેઓ પણ નીચે રસ્તા પર ઊતરે અને મુસ્લિમ ફેરિયાઓને હટાવે. તેમને અહીંથી હાંકી કાઢે. અમે તેમને કહીશું કે તેઓ અહીંથી નીકળી જાય. જો તે લોકો નહીં સમજે તો તેમને મારીને ભગાડીશું પછી ભલે પોલીસ અમારા પર કેસ કરે. મૂળમાં અમે પોલીસને આ પહેલાં પણ ફરિયાદ કરી હતી કે ઘૂસણખોરી કરી બનાવટી દસ્તાવેજોને આધારે અહીં રહીને ધંધો કરતા બંગલાદેશીઓ સામે કાર્યવાહી કરો, પણ પોલીસ તેમના પર કોઈ ઍક્શન લેતી નથી. એથી હવે અમે જ તેમના પર ઍક્શન લઈશું. અમે તેમને મારીને ભગાડીશું.’

એ પછી અક્ષતા તેન્ડુલકર તેમના કાર્યકરો સાથે ગુરુવારે દાદર-વેસ્ટમાં ટ્રૅકને સમાંતર સેનાપતિ બાપટ માર્ગ પર ભરાતી માર્કેટમાં પહોંચી ગયાં હતાં. કાર્યકરોએ ફેરિયાઓને નામ પૂછી મુસ્લિમ જણાઈ આવતાં તેમની ધોલધપાટ કરી હતી, તેમને ટપલા માર્યા હતા અને ત્યાંથી સીધા ગામ જતા રહેવા કહ્યું હતું. એ ઘટનાનો પણ વિડિયો વાઇરલ થયો હતો. એ પછી તેમની અને અન્ય ૭ જણ સામે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.

dadar bharatiya janata party shivaji park mumbai police news mumbai mumabi news pakistan bangladesh Pahalgam Terror Attack religion hinduism islam social media viral videos kashmir