ખાડાએ લીધો વધુ એક બાઇકરનો જીવ

25 July, 2022 10:42 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ-નાશિક હાઇવે પર ભિવંડીમાં ખાડાને લીધે બાઇકનું બૅલૅન્સ જતાં પાછળથી આવી રહેલા ડમ્પરે એક જણને કચડ્યો : અકસ્માત થયા પછી ડમ્પરચાલક ફરાર

મુંબઈ-નાશિક નૅશનલ હાઇવે પર આ સ્થળે ઍક્સિડન્ટમાં ઉલ્હાસનગરની વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો

ચોમાસામાં વરસાદને લીધે રસ્તામાં ખાડા પડવાને લીધે ઍક્સિડન્ટ થવાની ઘટનાઓ અવારનવાર બને છે. શનિવારે બપોરે મુંબઈ-નાશિક હાઇવે પર ભિવંડીમાં આવેલા રાજરોળી નાકા પાસે ખાડાને લીધે ટૂ-વ્હીલરનું બૅલૅન્સ જતાં એમાં સવારી કરી રહેલા બેમાંથી એક મિત્રને પાછળ આવી રહેલા ડમ્પરે અડફેટે લેવાથી તેનું કરુણ મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. અહીંની શાંતિનગર પોલીસે ઍક્સિડન્ટનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

થાણેના કોનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી મુજબ મુંબઈ-નાશિક નૅશનલ હાઇવે પર આવેલા રાજનોળી નાકાના પુલથી ૧૦૦ મીટરના અંતરે શનિવારે બપોરે એક ઍક્સિડન્ટ થયો હતો. બ્રિજેશકુમાર ઉર્ફે મુનીકાકા જયસ્વાલ નામના ઉલ્હાસનગરમાં રહેતા આધેડનું આ ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે મૃતક તેના મિત્ર રામજનક શર્મા સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પડેલા ખાડાને લીધે બાઇકનું સંલુતન જતાં તેઓ રસ્તામાં ફંગોળાઈ ગયા હતા. રામજનક રસ્તાની ડાબી બાજુ તો મૃતક બ્રિજેશકુમાર રસ્તાની જમણી બાજુએ પડતાં પાછળથી આવી રહેલું ડમ્પર તેમના પર ફળી વળ્યું હતું. ઍક્સિડન્ટ બાદ ડમ્પરચાલક પલાયન થઈ ગયો હતો.

કોનગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેન્દ્ર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રસ્તામાં પડેલા ખાડાને લીધે શનિવારે બ્રિજેશકુમાર જયસ્વાલનું મૃત્યુ થયું હતું. રસ્તો એટલો બધો ખરાબ છે કે ટૂ-વ્હીલર તો શું ફોર-વ્હીલરમાં મુસાફરી કરવાનું પણ અહીં ત્રાસદાયક બની ગયું છે. વરસાદ બંધ થઈ ગયા બાદ ખાડાઓમાં માટ‌ી નાખીને પૂરી દેવામાં આવે છે. જોકે ફરી વરસાદ થાય છે ત્યારે ખાડામાં ભરવામાં આવેલી માટી પાણીમાં વહી જાય છે એટલે પાછા ખાડા પડી જાય છે. શનિવારે બપોરે ૧.૧૫ વાગ્યે રામજનક અને બ્રિજેશકુમાર ખાડાને લીધે સામાન્ય ઝડપે ટૂ-વ્હીલર પર જઈ રહ્યા હોવા છતાં બાઇક પડી જતાં તેઓ રસ્તામાં ફંગોળાયા હતા. એ સમયે પાછળથી આવી રહેલું ડમ્પર બ્રિજેશકુમારના શરીર ઉપર ફરી વળ્યું હતું. ડમ્પરચાલક અકસ્માત કરીને પલાયન થઈ ગયો હતો. કોઈએ ડમ્પરનો નંબર પણ નોંધ્યો નહોતો. અમે હાઇવે પરના સીસીટીવી કૅમેરાના ફુટેજની મદદથી ડમ્પરચાલકને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news thane bhiwandi nashik prakash bambhrolia