✕

દિગ્ગજ ઉદ્યોગપતિ અને કચ્છી જૈન દાનવીર ચંદ્રકાન્ત ગોગરીની વિદાય

16 November, 2026 07:24 AM IST  |  Mumbai | Rohit Parikh

૫૦૦૦ રૂપિયાની લોનથી આરતી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી; શિક્ષણ, આરોગ્ય અને જળસંચયના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું: નાનકડા ડગલાથી શરૂ કરેલી સફર હજારો પરિવારોના જીવનમાં સેવાનો પ્રકાશ પાથરી ગઈ

ચંદ્રકાન્ત ગોગરી

દેશના જાણીતા ઉદ્યોગપતિ, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક અને સમાજસેવી, ૮૦ વર્ષના ચંદ્રકાન્ત ગોગરીનું ગઈ કાલે સાંજે ૪ વાગ્યે નિધન થયું હતું. તેઓ થોડા દિવસથી બીમાર હતા. તેમના અવસાનથી ઉદ્યોગજગત ઉપરાંત કચ્છી જૈન સમાજ અને સેવાકીય ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધનથી કચ્છી સમાજે એક મહાન દાનવીર, માનવતાના સાચા ઉપાસક અને સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

ચંદ્રકાન્તભાઈનું સમગ્ર જીવન માનવસેવા, જીવદયા, પરોપકાર અને સમાજકલ્યાણને સમર્પિત રહ્યું હતું. કરોડો રૂપિયાનું દાન કરીને અનેક સેવાકાર્યોમાં આપેલો અમૂલ્ય ફાળો માત્ર આર્થિક સહયોગ નહોતો; માનવતા પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને કરુણાભાવનું પ્રતીક હતા એમ જણાવતાં ચંદ્રકાન્તભાઈના કઝિન બ્રધર જતીન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે કરેલી નિઃસ્વાર્થ સેવા, જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ, દાનશીલતા અને પરોપકારની ભાવના અનેક લોકો માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે. મહાન વ્યક્તિઓ ક્યારેય વિદાય નથી લેતી; તેઓ પોતાનાં સત્કર્મો, સંસ્કારો અને સેવાકાર્યો દ્વારા લોકોનાં હૃદયમાં સદાય જીવંત રહે છે.’

જતીન છેડાએ તેમના જીવન વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘કચ્છના માંડવી તાલુકાના નાના ભાડિયા ગામમાં જન્મેલા ચંદ્રકાન્તભાઈએ પ્રાથમિક શિક્ષણ ગામમાં મેળવ્યા બાદ મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. તેમનાં માતા ધનવંતીબહેનની અંગત બચતમાંથી ૫૦૦૦ રૂપિયાની લોન લઈને તેમણે ૧૯૭૫માં આરતી ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી હતી. પોતાની મહેનત, દૂરંદેશી, ટેક્નિકલ જ્ઞાન અને ટીમવર્કના બળે આ સંસ્થાને દેશની અગ્રણી કેમિકલ કંપનીઓમાં સ્થાન અપાવ્યું હતું. ઔદ્યોગિક સફળતાની સાથે ચંદ્રકાન્તભાઈએ સમાજસેવાને પણ જીવનનો અભિન્ન હિસ્સો બનાવ્યો હતો. ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત અને ‘સર્વજન સુખાય, સર્વજન હિતાય’ની ભાવનાને અનુસરીને તેમણે શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને આજીવિકાનાં ક્ષેત્રોમાં અનેક સેવાકાર્યો હાથ ધર્યાં હતાં. ખાસ કરીને કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં જળસંચયનાં કાર્યોમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.’

નાના ભાડિયામાં તુલસી વિદ્યામંદિર, મુન્દ્રામાં પરપ્રાંતીય શ્રમિકોનાં બાળકો માટે વલ્લભ વિદ્યાલય, રતનપર-ખડીરમાં રામકૃષ્ણ વિદ્યાસંકુલ તથા ભચાઉની કન્યા શાળાના સંચાલન અને વિકાસમાં આરતી પરિવારની ભૂમિકા રહી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાં પણ આરતી પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

ચંદ્રકાન્તભાઈના સમાજસેવાના યોગદાનને બિરદાવતાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત કેમેક્સિલ દ્વારા તેમને વિઝનરી લીડર અને સમાજસેવક તરીકે ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જાણકારી આપતાં જતીન છેડાએ કહ્યું હતું કે ‘તાજેતરમાં તેમનાં પત્ની જયા ગોગરીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ઘાટકોપરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા સમારોહમાં ચંદ્રકાન્તભાઈએ ભવિષ્યની સેવાકીય યોજનાઓની જાહેરાત કરી હતી. બિહારના નાલંદામાં ૩૫૦ બેડની તીર્થંકર મહાવીર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તથા નર્સિંગ કૉલેજ શરૂ કરવાની યોજના હતી. ભગવાન રામની ભૂમિ અયોધ્યામાં પણ હૉસ્પિટલ અને નર્સિંગ કૉલેજ સ્થાપવાની તેમની ઇચ્છા હતી. કચ્છ અને રાષ્ટ્રીય સ્તરે સેવાકાર્યો બાદ ગ્લોબલ વૉર્મિંગ સામે જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની પણ તેમની યોજના હતી.’

પરિવાર અને સમાજ સાથેના સંબંધોમાં પણ તેઓ હંમેશાં લાગણીશીલ રહ્યા હતા. પત્ની જયાબહેનને તેઓ પોતાના દરેક કાર્યમાં સાથ આપનાર આદર્શ જીવનસંગિની ગણાવતાં હતાં. જયાબહેન પોતે પેઇન્ટિંગ કરીને એના વેચાણમાંથી મળતી રકમ ચૅરિટી માટે વાપરે છે. આરતી પરિવારની નવી પેઢી પણ તેમનાં સેવાકાર્યોના વારસાને આગળ ધપાવી રહી છે.

અંતિમયાત્રા આજે સવારે
ચંદ્રકાન્ત ગોગરીની અંતિમયાત્રા આજે સોમવારે સવારે ૧૦ વાગ્યે પવઈના તેમના નિવાસસ્થાન રિચમન્ડ ટાવર, ક્લિફ ઍવન્યુ રોડ, ફૉરેસ્ટ ક્લબ પાસે, હીરાનંદાની ગાર્ડન્સ, પવઈથી નીકળશે. 

mumbai news mumbai jain community kutchi community kutch celebrity death gujaratis of mumbai gujarati community news rohit parikh