30 April, 2025 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં રહેતા અને પિતા સાથે નવી મુંબઈની વાશી માર્કેટના દાણાબંદરમાં બ્રોકરેજનો વ્યવસાય કરતા ૪૦ વર્ષના અંકિત ઠક્કરનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. આ કેસ વિશે માહિતી આપતાં એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ૬.૪૫ વાગ્યે નાહૂરથી થાણે તરફ એક નંબરના ટ્રૅક પરથી જઈ રહેલી સ્લો ટ્રેનના મોટરમૅને ટ્રૅકની પાસે એક વ્યક્તિ ઘવાયેલી પડેલી જોઈ હતી. એથી તેણે આ બાબતે મુલંડ સ્ટેશન-મૅનેજરને જાણ કરી હતી. તરત જ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમણે બેઝિક તપાસ કરતાં તે યુવાન અંકિત ઠક્કર હોવાનું જણાઈ આવ્યું હતું. એથી તેના પરિવારને એ વિશે જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા અંકિતને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ તેના મૃતદેહને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
કચ્છી લોહાણા જ્ઞાતિનો અંકિત ઠક્કર પરિણીત હતો. તેના મૃત્યુ બાદ પરિવારમાં શોક છવાઈ ગયો છે. અંકિત ઠક્કરનું મૃત્યુ કઈ રીતે થયું એના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. કુર્લા GRPએ ઍક્સિડેન્ટલ ડેથ-રિપોર્ટ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.