BJPએ સંબંધ તોડ્યો, અમે નહીં, કૉન્ગ્રેસ-NCP સાથે વાત ચાલુ : ઉદ્ધવ ઠાકરે

13 November, 2019 01:56 PM IST  |  Mumbai

BJPએ સંબંધ તોડ્યો, અમે નહીં, કૉન્ગ્રેસ-NCP સાથે વાત ચાલુ : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે

રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયા બાદ મોડી સાંજે શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે મલાડની હોટેલ રિટ્રીટમાં રોકાયેલા શિવસેનાના વિધાનસભ્યોને મળવા પહોંચ્યા હતા. અહીં પત્રકારો સાથે વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે બીજેપી સાથેના સંબંધ ખતમ નથી કર્યા, બીજેપીએ અમારી સાથેનો સંબંધ તોડ્યો છે. રાજ્યપાલે અમને સરકાર બનાવવા માટે માત્ર ૨૪ કલાક આપ્યા હતા જે બહુ ઓછા કહેવાય. કૉન્ગ્રેસ-એનસીપી સાથે પહેલી વખત સોમવારે જ વાત કરી હતી. અમારામાં વૈચારિક મતભેદ છે, એ વિશે વાત કરવા માટે અમને સમય ન મળ્યો.

ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું કે ‘રાજ્યપાલના આમંત્રણ બાદ અમે સરકાર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે અમને વધુ સમય નહોતો ફાળવ્યો. સરકાર બનાવવા બાબતે એનસીપી-કૉન્ગ્રેસ સાથે વાત ચાલી રહી છે. સરકાર બનાવવા બાબતે ત્રણેય પક્ષો સાથે વાત કરવાનો મોકો જ નથી મળ્યો. કેટલાક મુદ્દા પર ત્રણેય પક્ષ સ્પષ્ટતા કરવા માગે છે એથી અમે રાજ્યપાલ પાસે ત્રણ દિવસનો સમય માગ્યો હતો, જે તેમણે ન આપીને અમારી સાથે ભેદભાવભર્યું વર્તન કર્યું હતું. જોકે હવે રાજ્યપાલે લાંબો સમય આપી દીધો છે એટલે બન્ને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવવા બાબતની વાતચીત આગળ વધારીશું.’

આ પણ વાંચો : રાષ્ટ્રપતિની મંજુરી બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ

ઉદ્ધવે ઉમેર્યું હતું કે ‘વૈચારિક અસમાનતા હોવા છતાં બીજેપીએ જેડીયુ, ટીડીપી અને પીડીપી સાથે સરકાર બનાવી છે. આવી સ્થિતિમાં શિવસેના અને કૉન્ગ્રેસ-એનસીપી સાથે આવે એમાં કાંઈ ખોટું નથી. સરકાર બનાવવા વિશે મારી સોમવારે જ પહેલી વખત કૉન્ગ્રેસનાં સોનિયા ગાંધી સાથે વાત થઈ હતી. મને પૂરો વિશ્વાસ છે કે રાજ્યની જનતાનાં હિત માટે અમે મજબૂત સરકાર બનાવીને કામ કરી શકીશું.’

uddhav thackeray aaditya thackeray bharatiya janata party shiv sena congress nationalist congress party mumbai news