નાતાલ પૂર્વે ઉદ્ધવ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે

21 December, 2019 02:50 PM IST  |  Mumbai

નાતાલ પૂર્વે ઉદ્ધવ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે

ગઈ કાલે નાગપુરમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિરોધ પક્ષના નેતાઓએ વિધાનભવનમાં સામૂહિક ફોટો પડાવ્યો હતો. તસવીર : પી.ટી.આઇ.

કૉન્ગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડીની સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ ૨૩ કે ૨૪ ડિસેમ્બરે કરવાની શક્યતા છે. ખાતાંની વહેંચણી થઈ ચૂકી છે. આવતા બે-ત્રણ દિવસોમાં કેટલાક ખાતાંની ત્રણ પક્ષો વચ્ચે ફેરબદલની શક્યતા છે.’

મહા વિકાસ આઘાડીની સરકારના મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરે અને ત્રણ ઘટક પક્ષો (શિવસેના, કૉન્ગ્રેસ, એનસીપી)ના બબ્બે પ્રધાનોએ ૨૮ નવેમ્બરે શપથ લીધા પછી ખાતાંની વહેંચણી અને પ્રધાન મંડળના વિસ્તરણમાં નોંધપાત્ર વિલંબ થયો છે. ૧૨ ડિસેમ્બરે ખાતાંની વહેંચણીમાં શિવસેનાના નેતાઓમાં એકનાથ શિંદેને ગૃહ, નગર વિકાસ તથા અન્ય અને સુભાષ દેસાઈને કૃષિ, ઉદ્યોગો, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ સહિત અનેક ખાતાં સોંપાયાં હતાં. એનસીપીના નેતાઓમાં જયંત પાટીલને નાણાં અને આયોજન, ગૃહ નિર્માણ તથા અન્ય અને છગન ભુજબળને અન્ન તથા નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા તેમ જ લઘુમતી કલ્યાણ ખાતાં સોંપાયાં હતાં. કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાતને મહેસૂલ, ઊર્જા, તબીબી શિક્ષણ, શાળા શિક્ષણ તથા અન્ય અને નીતિન રાઉતને પીડબલ્યુડી, આદિવાસી વિકાસ, મહિલા અને બાળ‍ કલ્યાણ તથા અન્ય ખાતાં સોંપાયાં હતાં.

નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાન મંડળના શિયાળુ સત્રની આજે પૂર્ણાહુતિ થશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા ગુરુવારે પ્રધાન મંડળના વિસ્તરણ વિશે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કૉન્ગ્રેસના મહાસચિવ મલ્લિકાર્જુન ખડગે સાથે મંત્રણા કરી હતી. વિધાનસભ્યોની સંખ્યાના ૧૫ ટકા પ્રધાનોની નિયુક્તિની જોગવાઈ અનુસાર મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન સહિત મહત્તમ ૪૩ પ્રધાનોના સમાવેશની શક્યતા છે.

કૉન્ગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અશોક ચવાણ અને પૃથ્વીરાજ ચવાણ બન્નેનો સમાવેશ કરવો કે એમાંથી એક જણને સામેલ કરવા એ બાબતનો નિર્ણય પણ લેવાશે. અશોક ચવાણ મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં રાજ્યના કૅબિનેટ કક્ષાના પ્રધાનપદે રહી ચૂક્યા છે. તેમને રાજ્યના વહીવટનો ઘણો અનુભવ છે. પરંતુ પૃથ્વીરાજ ચવાણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનતાં પહેલાં કેન્દ્રમાં રાજ્ય કક્ષાના પ્રધાન હતા.’

આ પણ વાંચો : વાકોલા બ્રિજ બંધ તો થશે, પણ આખો નહીં

રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું હતું કે ‘અજિત પવારે બળવાખોરી કરીને ૮૦ કલાક માટે બીજેપી સાથે સરકાર રચ્યાની ઘટનાના અનુસંધાનમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર તેમને પ્રધાન મંડળમાં સામેલ કરે છે કે નહીં એ નિર્ણય તરફ સૌનું ધ્યાન છે, કારણ કે અજિત પવારને પ્રધાન મંડળમાં સામેલ કરવામાં આવે તો શરદ પવાર તેમના ભત્રીજાની પૂર્વ નિર્ધારિત યોજનાઓથી વાકેફ હોવાની સૌની ધારણા નક્કર બનશે.

uddhav thackeray shiv sena nationalist congress party congress mumbai news