ખેડૂતોની લોન માફ, નોકરીમાં સ્થાનિકોને 80 ટકા આરક્ષણ

29 November, 2019 10:00 AM IST  |  Mumbai

ખેડૂતોની લોન માફ, નોકરીમાં સ્થાનિકોને 80 ટકા આરક્ષણ

શિવાજી પાર્ક

મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના કૉમન મિનિમમ પ્રોગ્રામમાં ખેડૂતોની લોન માફ કરવા અને નોકરીઓમાં સ્થાનિકોને ૮૦ ટકા આરક્ષણ અને વન રૂપી ક્લિનિક જેવા જનહિતના અનેક મુદ્દાનો સમાવેશ હોવાનું ત્રણ પક્ષોના નેતાઓએ ગઈ કાલે જણાવ્યું હતું. એનસીપીના નેતાઓ જયંત પાટીલ અને નવાબ મલિક તેમ જ શિવસેનાના એકનાથ શિંદેએ મહા વિકાસ આઘાડીના શપથવિધિ સમારંભ પૂર્વે મીડિયા બ્રીફિંગ દરમ્યાન કૉમન મિનિમમ પ્રોગ્રામની દરખાસ્તો જાહેર કરી હતી.

ફક્ત એક રૂપિયો ફી ચૂકવીને તબીબી સારવાર આપતી વન રૂપી ક્લિનિક્સ તેમ જ ગરીબોને દસ રૂપિયામાં ભોજનની સગવડ સમગ્ર રાજ્યમાં શરૂ કરવાની બાંયધરી કૉમન મિનિમમ પ્રોગ્રામમાં આપવામાં આવી છે. શિવસેનાએ ચૂંટણીના વચનનામામાં ગરીબોને દસ રૂપિયામાં ભોજનનાં કેન્દ્રો રાજ્યમાં શરૂ કરવાનું આપેલું વચન ચર્ચાસ્પદ બન્યું હતું. શરદ પવારે વીસ વર્ષ પૂર્વેની શિવસેનાની ઝૂણકા ભાકર યોજનાની યાદ અપાવતાં ૧૦ રૂપિયામાં ભોજનની યોજનામાં ભ્રષ્ટાચારની શક્યતા દર્શાવી હતી.

આ પણ વાંચો : વર્ષા બંગલો ખાલી કર્યા બાદ મુંબઈમાં ઘર શોધે છે ફડણવીસ

કૉમન મિનિમમ પ્રોગ્રામ પર એક નજર...
એક રૂપિયામાં સારવાર મળશે
ખેડૂતોના સરકારી લેણાં તરત જ માફ કરાશે
સમાજના તમામ ધર્મો, જાતિઓ, વર્ગને ન્યાય આપવા પ્રયાસ કરવામાં આવશે.
અમારી પ્રાધાન્યતા ખેડૂતોની હશે, આ સરકાર પર લોકોનો વિશ્વાસ રાખવા માટે સામાન્ય લોકો પર અમારું ધ્યાન રહેશે.
આજે જે સરકારની રચના થવાની છે તે એક મજબૂત સરકાર બનશે અને મહારાષ્ટ્રના હિતમાં બનાવવામાં આવી રહી છે.
મહિલાઓની સલામતી આ સરકારની અગ્રતા રહેશે.
આર્થિક રીતે નબળા વર્ગની છોકરીઓને મફત શિક્ષણ આપવામાં આવશે.
ખેડૂતો માટે નવી પાક વીમા યોજના અમલમાં આવશે.
ખાલી સરકારી જગ્યાઓ ભરવામાં આવશે.
કૅબિનેટની બેઠકમાં નાણાર રિફાઇનરી પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે.

maharashtra congress nationalist congress party shiv sena uddhav thackeray sharad pawar