શિવસેનાની રમત શું છે? કૉન્ગ્રેસ-એનસીપીને ટેન્શન

15 November, 2019 08:03 AM IST  |  Mumbai | Dharmendra Jore

શિવસેનાની રમત શું છે? કૉન્ગ્રેસ-એનસીપીને ટેન્શન

સંજય રાઉત

અવિશ્વાસ અને શંકા-કુશંકાના વાતાવરણમાં મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવા બાબતે શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપી વચ્ચે વાટાઘાટો ધીમે-ધીમે આગળ વધી રહી છે ત્યારે શિવસેનાના સંજય રાઉતે બીજેપીના પ્રમુખ અમિત શાહની ટીકા કરવા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે માનની લાગણી વ્યક્ત કરતાં અન્ય પક્ષોના નેતાઓ વિમાસણમાં મુકાયા છે. દરમ્યાન પાંચ વર્ષ માટે શિવસેનાના મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસ-એનસીપીના નાયબ મુખ્ય પ્રધાનો રાખવાની ફૉર્મ્યુલા વિચારાધીન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે એનસીપી પાંચ વર્ષમાં અઢી વર્ષ માટે પોતાના મુખ્ય પ્રધાનની માગણી કરે છે. શિવસેનામાં મુખ્ય પ્રધાનપદને લાયક ઉમેદવાર ન મળે તો ઉદ્ધવ ઠાકરે પોતે એ જવાબદારી સ્વીકારશે કે નહીં એ પ્રશ્ન ઊભો છે. જોકે એક અહેવાલ પ્રમાણે શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપવા કૉન્ગ્રેસ-એનસીપી રાજી થઈ ગયાં છે, પણ એને કોઈ સમર્થન નથી મળ્યું.

શિવસેના તરફથી ‘અમે નરેન્દ્ર મોદી વિરુદ્ધ નથી, પરંતુ શિવસેનાની મુખ્ય પ્રધાનપદની માગણી બાબતે અમિત શાહ જૂઠું બોલે છે’ એવાં વિધાન સાંભળીને કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓ વધુ શંકાશીલ બન્યા છે. આગામી સરકારમાં વધુ લાભ મેળવવાની વેતરણમાં પડેલાં કૉન્ગ્રેસ અને એનસીપીની દબાણનીતિને કારણે મામલો વધુ ગૂંચવાઈ રહ્યો છે.

મુખ્ય પ્રધાનપદ પોતાના હાથમાં રાખવા ઉત્સુક શિવસેના એના સાથીપક્ષો કૉન્ગ્રેસ અને એનસીપીના નાયબ મુખ્ય પ્રધાનોને લાભદાયક મંત્રાલયો ઉપલબ્ધ કરાવવામાં પણ સફળ થવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે. શિવસેનાના મુખ્ય પ્રધાન તથા કૉન્ગ્રેસ અને એનસીપીના નાયબ મુખ્ય પ્રધાનોની ફૉર્મ્યુલા વિશે નિશ્ચિત જાણવા મળ્યું નથી. રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવા સુધીની ઘટનાઓને ધ્યાનમાં લઈને શિવસેના વધુ સતર્ક બની છે. ૨૪ ઑક્ટોબરથી પરિસ્થિતિના સૂત્રધાર બનેલા એનસીપીના બૉસ શરદ પવારને ઉદ્ધવ ઠાકરે આધાર રાખવાલાયક ગણતા નથી. ઊલટું, ઉદ્ધવે કૉન્ગ્રેસના નેતાઓ સાથે સીધો સંપર્ક સ્થાપ્યો છે. કૉન્ગ્રેસે ઘણી મથામણ અને પક્ષની અંદરથી ચેતવણીઓ અને ધમકીઓના નિવારણ બાદ શિવસેનાને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે, એને કારણે એનસીપીની છાવણીમાં બેચેની ફેલાવાની શક્યતા છે.

આ પણ વાંચો : શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની સત્તાની નવી ફૉર્મ્યુલા તૈયાર?

શિવસેનાની દરખાસ્ત સાથે સંમત થઈને એનસીપીને નાયબ મુખ્ય પ્રધાનપદ મળે તો એમાં એમના વિધાનમંડળ પક્ષના નેતા અજિત પવારને (ગૃહમંત્રાલય સહિત) ગોઠવવાની શક્યતા છે. જો કૉન્ગ્રેસ પણ નાયબ મુખ્ય પ્રધાનનો હોદ્દો સ્વીકારે તો અનેક વરિષ્ઠ નેતાઓમાંથી કોને ત્યાં બેસાડવા એનો નિર્ણય લેવાનું કામ સહેલું નથી. જોકે સામાન્ય ધારણા મુજબ અગાઉ મહેસૂલ ખાતાનો અખત્યાર સંભાળી ચૂકેલા કૉન્ગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતને એ જ (મહેસૂલ) મંત્રાલય સહિત નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા છે.

sanjay raut uddhav thackeray mumbai news shiv sena bharatiya janata party congress nationalist congress party dharmendra jore