Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની સત્તાની નવી ફૉર્મ્યુલા તૈયાર?

શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની સત્તાની નવી ફૉર્મ્યુલા તૈયાર?

14 November, 2019 10:55 AM IST | Mumbai

શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની સત્તાની નવી ફૉર્મ્યુલા તૈયાર?

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો દ્વારા સરકાર બનાવવામાં નિષ્ફળતા બાદ આમ તો મંગળવારથી રાષ્ટ્રપતિશાસન લાદી દેવામાં આવ્યું છે તો બીજી તરફ એના પગલે શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સક્રિય થયા છે. ગઈ કાલે તેમના નેતાઓએ મળીને સરકાર બનાવવા માટે રાજકીય કવાયત કરી હતી જેમાં કૉમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી) બનાવવા પર કામ કરી રહ્યા છે જેમાં ખેડૂતલક્ષી મુદ્દાઓ સમાવવામાં આવે એમ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કૉન્ગ્રેસને ડૅપ્યુટી ચીફ મિનિસ્ટર પદ અને સ્પીકરનું પદ મળશે. તો શિવસેના અને એનસીપી વચ્ચે અઢી-અઢી વર્ષ દરમ્યાન મુખ્ય પ્રધાનપદ રહેશે.

તો બીજી તરફ સૌથી મોટો પક્ષ બીજેપી પણ કોઈ પણ ભોગે સરકાર બનાવવાના તમામ વિકલ્પો ચકાસી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કૉન્ગ્રેસ ટૂંક સમયમાં જ સાથે મળીને સરકાર રચવાનો દાવો રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સમક્ષ કરે એવી શક્યતા છે. કૉન્ગ્રેસ સાથે મંત્રણા બાદ બહાર આવેલા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને કૉન્ગ્રેસ સાથે થયેલી વાતચીતની વિગતો આપવાનો ઇનકાર કરીને કહ્યું હતું કે શું વાત થઈ એ હું શા માટે કહું એવો સવાલ પણ કર્યો હતો.



મંગળવારે સાંજે રાષ્ટ્રપતિશાસન લાગુ થયા બાદ કૉન્ગ્રેસના નેતાઓ મુંબઈ પહોંચ્યા હતા અને શિવસેના સાથે ચૂંટણી પરિણામ બાદ પહેલી વાર રૂબરૂ મંત્રણા હાથ ધરી હતી જેમાં એનસીપીના નેતાઓ પણ જોડાયા હતા અને સાથે મળીને સરકાર બનાવવાની કવાયત હાથ ધરી હતી.


કૉન્ગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું છે કે શિવસેના સાથે ઔપચારિક વાટાઘાટો શરૂ થઈ છે. શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ લઘુતમ સામાન્ય કાર્યક્રમ જાહેર કરશે. એની વિગતો તૈયાર થઈ રહી છે જે જાહેર કરવામાં આવશે. એનસીપી, કૉન્ગ્રેસ અને શિવસેના બધા એકસમાન લઘુતમ કાર્યક્રમ રચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસના નેતાઓની બેઠક મુંબઈની એક હોટેલમાં એક કલાક ચાલી હતી. હવે બન્ને પક્ષના નેતાઓ સાથે સરકાર બનાવવાની વ્યૂહરચના અને કાર્યસૂચિ પર ચર્ચા થઈ છે. શિવસેના અને કૉન્ગ્રેસના નેતાઓએ સાથે ભોજન પણ કર્યું હતું. શિવસેના અને કૉન્ગ્રેસ વચ્ચે મુંબઈની હોટેલમાં મંત્રણા થઈ હતી. ઉદ્ધવ કૉન્ગ્રેસ કો-ઑર્ડિનેશન કમિટીની બેઠક કરી જેમાં કૉમન મિનિમમ પ્રોગ્રામ અંગેની વાત આખરી થઈ શકે છે.


શિવસેનાના નેતા સંજય રાઉત લીલાવતી હૉસ્પિટલમાંથી બહાર આવ્યા છે અને મીડિયાને જણાવ્યું હતું કે તેમની તબિયત હવે ઠીક છે અને તેઓ કામ પર પાછા ફર્યા છે. તેમણે પુનરોચ્ચાર કરતાં કહ્યું કે એક વાત ચોક્કસ છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના હશે.

કૉન્ગ્રેસને એનસીપી સાથે સામાન્ય લઘુતમ કાર્યક્રમની વાટાઘાટો માટે મહારાષ્ટ્રના નેતાઓની સમિતિની રચના કરી છે. સમિતિમાં અશોક ચવાણ, પૃથ્વીરાજ ચવાણ, માણેકરાવ ઠાકરે, બાળાસાહેબ થોરાત અને વિજય વડેટ્ટીવારનો સમાવેશ થાય છે.
દરમ્યાન, એનસીપીના નેતા અજિત પવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિશાસન લાગુ થયા પછી અમે આગળની રણનીતિ પર ચર્ચા કરીશું. શરદ પવાર સહિત કેટલાક અન્ય નેતાઓ હવે સંસદના સત્ર માટે દિલ્હી જશે. અમે ૫-૬ લોકોની એક સમિતિ બનાવી છે જે આગળની રણનીતિ પર કામ કરશે. આ દરમ્યાન શિવસેના સાથે પણ ચર્ચા કરવામાં આવશે. અમે વહેલી તકે સરકારની રચના કરવા માગીએ છીએ, કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતો ઘણી મુશ્કેલીમાં છે. તેમને તાકીદે નવી સરકાર તરફથી સહાય મળે એ જરૂરી છે.
સૂત્રોએ કહ્યું કે શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની સંભવિત નવી સરકાર સામાન્ય લઘુતમ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને તેમને ખેતી માટે મફત વીજળી અને સરકારી દેવું માફ થાય એવા મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કરીને નવી સરકાર ખેડૂતના હિત માટે બનાવવામાં આવી છે એવો પણ એક સંદેશો આપીને સત્તાની લાલચમાં એક થયા નથી એવું પુરવાર કરવા માગે છે.

આજથી શરદ પવાર વિદર્ભના પ્રવાસે

મહારાષ્ટ્રના ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમ આગળ ધપાવવા માટે એનસીપીના પ્રમુખ શરદ પવાર આજથી વિદર્ભનો પ્રવાસ શરૂ કરશે. આજે નાગપુરના કાટોલ તાલુકાના ખેડૂતોને મળ્યા પછી શુક્રવારે નાગપુરમાં પત્રકાર પરિષદને સંબોધન કરશે, ત્યાર પછી એક પરિસંવાદમાં હાજરી આપ્યા બાદ મુંબઈ આવીને પુણે પહોંચશે. ગયા અઠવાડિયે બીજેપીએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાની અક્ષમતા જાહેર કર્યા પછી શરદ પવાર ખેડૂતો સાથે સંવાદના કાર્યક્રમનો સિલસિલો પશ્ચિમ મહારાષ્ટ્રના કરાડમાં અટકાવીને મુંબઈ પહોંચી ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 10:55 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK