02 March, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છ ગાઉની યાત્રા દરમ્યાન પૂજ્ય મુનિરાજ શ્રી રમ્યબોધિવિજયજી મહારાજસાહેબ સાથે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે શત્રુંજય તીર્થના આદીશ્વરદાદાની ભક્તિ કરી રહેલા ભાવિકો.
ગઈ કાલે ફાગણ સુદ તેરસના દિવસે જે ભાવિકો ભાવનગર પાસે આવેલા જૈનોના શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા ન જઈ શક્યા હોય તેઓ પાલિતાણાની છ ગાઉની યાત્રા ઘાટકોપરમાં જ રહીને કરી શકે એ માટે ઘાટકોપર-ઈસ્ટની નાયડુ કૉલોનીમાં આવેલા MICL વન અર્થનાં આઠ બિલ્ડિંગોના પરિસરને ગિરિરાજ પર્વતમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ આયોજન શ્રી ગોડી પાર્શ્વનાથ મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, નાયડુ કૉલોની, ઘાટકોપર-ઈસ્ટ અને શ્રી ગોડી પાર્શ્વ યુવક મંડળના નેજા હેઠળ અને સાથ-સહકારથી કરવામાં આવ્યું હતું. એનાં દર્શનનો લાભ ઘાટકોપર અને આસપાસનાં ઉપનગરોના ૩૦૦૦થી વધુ ભાવિકોએ લીધો હતો.
ભાડવાનો ડુંગર
ગિરિશિલા
જય તળેટી
રાયણ વૃક્ષ
આ બાબતની માહિતી આપતાં શ્રી ગોડી પાર્શ્વનાથ મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં બિરાજમાન અને આખા આયોજનના પ્રેરણાદાતા આચાર્ય ભગવંત શ્રી વિમલબોધિ મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી રમ્યબોધિવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાગણ સુદ તેરસ એટલે શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રાનો દિવસ. પાલિતાણામાં આ દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે. જોકે જેઓ આ દિવસે પાલિતાણા કોઈ પણ કારણોસર જઈ શકતા નથી તેમના માટે અમે MICL વન અર્થના પ્રાગંણમાં શત્રુંજય ગિરિરાજ સહ છ ગાઉની યાત્રાનાં સ્થાનો જય તળેટી, રાયણ વૃક્ષ, ગિરિશિલાનું પૂજન, સરસ્વતી મંદિર, પુણ્ય-પાપની બારી, દેવકીના છ પુત્રોની દેરી, ઉલ્કાજલ, શત્રુંજી નદી, ચંદન તલાવડી, અજિત-શાંતિ દેરી, ભાડવાનો ડુંગર, સિદ્ધવડ અને નવટુંક જેવાં નયનરમ્ય દૃશ્યોની આબેહૂબ પ્રતિકૃતિનું સર્જન કરીને સાક્ષાત્ ગિરિરાજની યાત્રા ભાવિકોને કરાવી હતી.’