ગુજરાત: આખરે ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો અને સાધુ-સંતોમાં શા માટે રોષ?

24 September, 2022 12:36 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

પાંજરાપોળોમાંથી ગાયો સરકારી કચેરીઓમાં છોડી મૂકી, ડીસામાં પ્રધાન કીર્તિસિંહ વાઘેલાની કારનો ઘેરાવો કર્યો,  ડીસા બ્રિજ પર ટાયરો સળગાવતાં ટ્રાફિક જૅમ થયો, ગૌસેવકો અને સંચાલકોની અટકાયત કરાઈ

ડીસા બ્રિજ પર ટાયરો સળગાવ્યાં હતાં

૫૦૦ કરોડ રૂપિયાની સહાયના મુદ્દે  બનાસકાંઠાનાં ડીસા, લાખણી, ધાનેરા, થરાદ સહિતનાં સ્થળોએ ગૌશાળા અને પાંજરાપોળોમાંથી ગાયો સરકારી કચેરીઓમાં છોડી મૂકી, ડીસામાં પ્રધાન કીર્તિસિંહ વાઘેલાની કારનો ઘેરાવો કર્યો,  ડીસા બ્રિજ પર ટાયરો સળગાવતાં ટ્રાફિક જૅમ થયો, ગૌસેવકો અને સંચાલકોની અટકાયત કરાઈ

૫૦૦ કરોડ રૂપિયાની સહાયના મુદ્દે ગઈ કાલે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો અને સાધુ-સંતોમાં રોષ ફેલાયો હતો અને ડીસા, લાખણી, ધાનેરા, થરાદ સહિતનાં સ્થળોએ ગૌશાળા અને પાંજરાપોળોમાંથી ગાયો સરકારી કચેરીઓમાં છોડી મૂકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગૌશાળા અને પાંજરાપોળોને સહાયના મુદ્દે બનાસકાંઠામાં ગઈ કાલે ભારે હોબાળો મચ્યો હતો. ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકો અને ગૌસેવકોની રજૂઆત એવી હતી કે સરકારે ૫૦૦ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી, પણ એ અમલ કર્યો નથી;  જેથી બનાસકાંઠામાં ડીસા, લાખણી, થરાદ, ભાભર, દિયોદર સહિતનાં નાનાં-મોટાં નગરો અને ગામોમાં આવેલી કેટલીય ગૌશાળા અને પાંજરાપોળોમાંથી ગાયોને છોડીને સરકારી કચેરીમાં લઈ ગયા હતા અને ત્યાં બાંધવાનો પ્રયાસ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. લાખણી, ભાભર સહિતની મામલતદાર કચેરીઓમાં ગાયોને લઈ જઈને ગૌસેવકોએ ૫૦૦ કરોડ રૂપિયાની સહાય ચૂકવવા રજૂઆત કરીને દેખાવો કર્યા હતા અને ગાયોના નામે વોટ લીધા, પણ સહાય આપતા નથી એવો આક્ષેપ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. 
ડીસામાં ગૌભક્તો હાથમાં કટોરા રાખીને ગાયો માટે દાન માગીને દેખાવો કર્યા હતા. દરમ્યાન ડીસામાંથી ગુજરાતના પ્રધાન કીર્તિસિંહ વાઘેલાની કાર નીકળતાં એનો ઘેરાવો કર્યો હતો અને સુત્રોચ્ચાર કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ અને ગૌસેવકો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું અને પોલીસે પ્રધાનની કાર પાસેથી ટોળાને ખસેડીને રસ્તો કરતાં પ્રધાનની કાર નીકળી ગઈ હતી. બીજી તરફ ડીસામાં બ્રિજ પર ટાયરો સળગાવતાં ટ્રાફિક જૅમ થયો હતો.

પશુધનને છોડી મૂકવાની જાણ પોલીસને હોવાથી પાંજરાપોળ અને ગૌશાળા પાસે પોલીસે રસ્તા પર બૅરિકેડ્સ ગોઠવી દીધાં હતાં અને સરકારી કચેરીઓ પાસે પણ પોલીસબંદોબસ્ત ગોઠવાયો હતો. ડીસા, લાખણી સહિતનાં નગરોમાંથી પોલીસે કેટલાક સંતો, ગૌસેવકો અને સંચાલકોની અટકાયત કરી હતી.

gujarat gujarat news shailesh nayak