11 October, 2025 08:23 AM IST | Mehsana | Gujarati Mid-day Correspondent
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખેરવા ગામે યોજાયેલી બે દિવસની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સમાં વિવિધ સેક્ટર્સમાં રોકાણો માટેના ૧૨૧૨ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) થયા છે અને અંદાજે ૩.૨૪ લાખ કરોડ રૂપિયાનાં રોકાણ ઉત્તર ગુજરાતમાં ભવિષ્યમાં આવશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત સહિત દેશ-વિદેશના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનો ગઈ કાલે સમાપન સમારોહ યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘વિકાસ ફક્ત નગરો કે મોટાં શહેરો સુધી જ ન રહે અને દરેક ગામ, દરેક પ્રદેશના લોકો એમાં સહભાગી થાય અને વિકાસ તેમના સુધી પણ પહોંચે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું રાજ્યમાં આયોજન થયું છે. નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વિલેજ અને વોકલ ફૉર લોકલનો જે વિચાર આપ્યો એને પ્રથમ રીજનલ કૉન્ફરન્સની સફળતાએ બળ આપ્યું છે. બે દિવસમાં ૨૧ ક્ષેત્રોમાં રોકાણ માટેના ૧૨૧૨ MoU દ્વારા સંભવિત ૩.૨૪ લાખ કરોડનાં રોકાણો ઉત્તર ગુજરાતમાં આવતા સમયમાં આવશે અને પ્રદેશના વિકાસને નવી ગતિ મળશે.’
આ સમિટમાં ૩૪ જેટલી વિદેશી કંપનીઓએ ભાગ લીધો હતો.
૧૭૦થી વધુ સ્ટાર્ટઅપ્સ જોડાયાં.
૭૦થી વધુ દેશોની ભાગીદારીથી આ સમિટ વૈશ્વિક બની.
દેશ-વિદેશના ૨૯,૦૦૦ જેટલા પ્રતિનિધિઓનાં રજિસ્ટ્રેશન થયાં જેમાં ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા.
૧૬૦થી વધુ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને ૧૦૦થી વધુ બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (B2G) બેઠકો યોજાઈ હતી.
૪૧૦થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો જેમાં ૧૭૦થી વધુ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી.
નૉલેજ સેશન્સમાં બે દિવસમાં ૪૬થી વધુ સત્રો યોજાયાં હતાં જેમાં બે રાઉન્ડ-ટેબલ કૉન્ફરન્સિસ, ૧૩ પૅનલ-ડિસ્કશન અને ૩૧ સેમિનાર થયાં હતાં.