વાયુની અસર, પોરબંદરમાં દરિયાના પાણી રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા

12 June, 2019 08:56 PM IST  | 

વાયુની અસર, પોરબંદરમાં દરિયાના પાણી રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા

પોરબંદર: વાયુ વાવાઝોડું (Vayu Cyclone) હવે વેરાવળના બદલે પોરબંદર તરફ ફંટાયું છે. આ વાવાઝોડું ગુરુવારે બપોરે પોરબંદરના દરિયાકિનારે ટકરાશે. આ સમયે વાવાઝોડાની ગતિ 165થી 170 કિલોમીટર રહેવાની શક્યતા છે. જો કે પોરબંદરના દરિયાકિનારે વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. પોરબંદરના દરિયામાં જબરજસ્ત કરંટ અનુભવાઈ રહ્યો છે.

વધી રહી છે પવનની સ્પીડ

વાવાઝોડા પહેલા પોરબંદરનો દરિયો જાણે ગાંડોતૂર બન્યો છે. દરિયામાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ દરિયાના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે. પોરબંદરમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકો ભયાવહ સ્થિતિમાં મૂકાયા છે. દરિયાકિનારે હવાની સ્પીડ પણ વધી રહી છે. દરિયો તોફાની બનતા લોકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં દરિયો પાળો તોડીને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાની ગુજરાતમાં આવી છે અસર, જુઓ ફોટોઝ

રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા દરિયાના પાણી

પોરબંદરમાં દરિયો જાણે વાવાઝોડા પહેલા કાંટા વિસ્તારને ઘમરોળી નાખવા માટે તૈયાર થઈ ચૂક્યો છે. જો દરિયો વધુ તોફાની થશે તો ભયંકર પરિણામ આવી શકે છે. વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડુંની અસરના પગલે ગુજરાતના તમામ દરિયાઇ બંદર પર મહાભયજનક ગણાતું 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

gujarat news delhi