મોબાઈલ ચાર્જમાં રાખી મચેડતો હતો, કરંટ લાગતા થયું મોત

06 June, 2019 05:30 PM IST  |  વડોદરા

મોબાઈલ ચાર્જમાં રાખી મચેડતો હતો, કરંટ લાગતા થયું મોત

મોબાઈલ વગર આપણા મોટા ભાગના કામ અધૂરા રહી જાય છે. દિવસ હોય કે રાત 24 કલાક મોબાઈલ આપણે સાથેને સાથે જ રાખીએ છીએ. પરિણામે કેટલીક વખત એવું થાય કે બેટરી લૉ થઈ જાય તેમ છતાંય આપણે મોબાઈલ છોડતા નથી. હજારો લોકો એવા પણ હશે, જે મોબાઈલને ચાર્જિંગમાં મૂકી તેમાં પોતાનું કામ કરતા હશે, વીડિયો જોતા હશે કે ગેમ રમતા હશે. જો તમે પણ આમાંના એક છો, તો સાવધાન થઈ જજો.

આવી શકે છે મોત

જો તમે પણ એક તરફ મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને તેને મચેડો છો, તો તમે પણ મૃત્યુ પામી શકો છો. વડોદરામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની છે. જ્યાં એક યુવાન મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને મોબાઈલમાં વીડિયો જોઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક ચાર્જિંગમાંથી કરંટ આવ્યો અને યુવક દૂર ફંગોળાઈ ગયો. અવાજ સાંબળતા જ ઘરના અન્ય સભ્યો આવી પહોંચ્યા અને યુવાનને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર્સે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.

18 વર્ષનો હતો યુવાન

મૃ્ત્યુ પામનાર યુવાનની ઓળખ શિવભારતી તરીકે થઈ છે. મૂળ યુપીનો રહેવાસી શિવભારતી ભાડાના મકાનમાં રહેતો હતો. અને ફર્નિચરનું કામ કરી મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. મોબાઈલ વાપરવાની લાલચે તેનો જીવ લઈ લીધો.

આ પણ વાંચોઃ સાળાની વાઇફ સાથે એકતરફી પ્રેમમાં પડી ગયેલા બનેવીનું હિચકારું કૃત્ય

પહેલા પણ સામે આવી ચૂક્યા છે કિસ્સા

આવી ઘટના પહેલી વાર નથી બની. આ પહેલા પણ એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. જ્યારે મોબાઈલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેનો ઉપયોગ કરતાં અનેક લોકોનાં મોત નીપજ્યા હોય. અવારનવાર આ સાવધાનીરૂપ કિસ્સાઓ સામે આવતાં છતાં પણ લોકો હજુ પણ ચાર્જિંગ સમયે ફોનનો ઉપયોગ કરતાં હોય છે. જો તમે પણ ચાર્જિંગ સમયે ફોનનો ઉપયોગ કરતાં હોવ તો આજથી આ આદત બંધ કરી દેજો.

gujarat vadodara news