વડોદરામાં દેખાયો ચાંદીપુરમ વાઈરસ, 5 વર્ષની બાળકીનું મોત

16 July, 2019 04:12 PM IST  |  વડોદરા

વડોદરામાં દેખાયો ચાંદીપુરમ વાઈરસ, 5 વર્ષની બાળકીનું મોત

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ફરી એકવાર ચાંદીપુરમ વાઈરસે દેખા દીધી છે. વડોદરાના ભાયલી ગામમાં એક 5 વર્ષની બાળકીનું ચાંદીપુરમ વાઈરસથી મોત થયું છે. ચાંદીપુરમની હાજરી દેખાતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. વાઈરસ વધુ ન ફેલાય તે માટે ગામમાં ડસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચિંતાની વાત એ છે કે વડોદરા ઉપરાંત દાહોદમાં પણ ચાર બાળકોમાં આ જ વાઈરસના લક્ષણ જોવા મળ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ભાયલીમાં રહેતી 5 વર્ષની બાળકીને છેલ્લા ઘણા દિવસથી તાવ આવતો હતો, પરંતુ તબિયતમાં સુધારો ન થતા બાળકીને ગોત્રીની GMERS હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે સારવાર દરમિયાન જ બાળકી મૃત્યુ પામી. ડોક્ટરોએ કેટલાક નમૂના તપાસ માટે પૂણેની લેબમાં મોકલ્યા હતા, જ્યાં ચાંદીપુરમ વાઈરસના નમૂના પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે વડોદરા જિલ્લા આરોગ્યતંત્ર દોડતું થયું છે.

બીજી તરફ દાહોદના મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં પણ ચાર બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો દેખાયા છે. પરિણામે આરોગ્ય વિભાગની ટીમો આ ચારેય ગામમાં તપાસ કરવામાં આવી રહી છે. આ બાળકોના રિપોર્ટ કરીને પણ તપાસ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાંદીપુરમ વાઇરસને પગલે દાહોદ જિલ્લાના 34 હજાર જેટલા કાચા ઘરોમાં ડસ્ટીંગ હાથ ધરાયું છે.

શું છે લક્ષણો ?

ઉલ્લેખનીય છે કે ચાંદીપુરમ વાઇરસ 14 વર્ષની ઉંમર સુધીના બાળકોમાં ફેલાઇ શકે છે. ચાંદીપુરમના લક્ષણની વાત કરીએ તો તેમાં 24થી 72 કલાકમાં ઝાડા, ઉલ્ટી અને તાવ આવે છે. અને બાળક બેભાન પણ થઇ જાય છે. જો આ લક્ષ્ણો બાળકોમાં દેખાય તો બાળકને તરત સારવાર માટે ખસેડો.

આ પણ વાંચોઃ રાજકોટઃસ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે થઈ ખાસ પૂજા અર્ચના

કેવી રીતે બચશો ?

જો તમારા કાચા કે પાકા મકાનમાં તિરાડ હોય તો પૂરી દો કારણ કે ચાંદીપુરમનો વાઈરસ સેન્ડફ્લાય તિરાડોમાં જ રહે છે. આ ઉપરાંત વાઈરસથી બચવા માટે બાળકોને આખા કપડાં પહેરાવો. રાત્રે મચ્છરદાનીમાં જ સુવો. ચાંદીપુરમના રોગથી બચવા માટે કોઇ રસી ઉપલબ્ધ નથી એટલે સાવચેતી રાખવી જરૂરી બની જાય છે.

 

gujarat vadodara news