ગુજરાતમાં કમોસમી વરસાદ; IMDએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી

28 December, 2021 02:50 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ઓછામાં ઓછા 32 તાલુકાઓમાં સોમવારે રાત્રે વરસાદ પડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા સહિત ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડતાં, હવામાન વિભાગે બુધવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ઓછામાં ઓછા 32 તાલુકાઓમાં સોમવારે રાત્રે વરસાદ પડ્યો હતો, એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)એ જણાવ્યું હતું.

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કાંકરજ અને પોસીના તાલુકાઓમાં મધ્યરાત્રિની આસપાસ સૌથી વધુ 21 મીમી અને 12 મીમી વરસાદ નોંધાયો હતો, એમ SEOCએ જણાવ્યું હતું. કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમના પાકને નુકસાન થવાની ચિંતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ મંગળવારે દાહોદ, પંચમહાલ, મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે અને ત્યારબાદ હવામાન શુષ્ક રહેશે.

કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે, એમ જણાવવામાં આવ્યું હતું.

બુધવારથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ શક્યતા છે, એમ IMDની આગાહીમાં જણાવાયું છે.

gujarat news gujarat ahmedabad