આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

20 January, 2022 08:40 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડીમાંથી ગુજરાતના નાગરિકોનો હજી છુટકારો થયો નથી ત્યાં બીજી તરફ વધુ એક વાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આજે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પડે એવી વધારે શક્યતા હોવાનું હવામાન વિભાગને જણાવ્યું છે જ્યારે ૨૧ જાન્યુઆરી ને શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ પડે એવી વધારે શક્યતા છે. આ ઉપરાંત ૨૨ જાન્યુઆરી ને શનિવારે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડવાની વધારે શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.     

gujarat gujarat news Gujarat Rains shailesh nayak