ઉત્તરાયણ, દિવાળી અને નવરાત્રિનું ફ્યુઝન

15 January, 2023 09:05 AM IST  |  Ahemdabad | Shailesh Nayak

અમદાવાદમાં રાત પડતાં જ ઉત્તરાયણનું પર્વ જાણે કે દિવાળી પર્વમાં ફેરવાઈ ગયું હોય એમ ફટાકડા ફૂટ્યા અને ઉત્સવપ્રેમીઓ ગરબે પણ ઘૂમ્યા : નેતાઓએ પતંગ ચગાવી

ઉત્તરાયણ પર્વ પ્રસંગે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પતંગ ચગાવી હતી.

અમદાવાદ : કોરોનાનાં બે વર્ષ પછી આ વર્ષે ગુજરાતમાં માફકસરનો પવન હોવાથી અમદાવાદીઓ, સુરતીઓ સહિતના લોકોને પતંગ ચગાવવાની મોજ પડી ગઈ હતી. એટલું જ નહીં, રાત પડતાં જ અમદાવાદમાં ઉત્તરાયણનું પર્વ જાણે કે દિવાળી પર્વમાં ફેરવાઈ ગયું હોય એમ ફટાકડા ફૂટ્યા હતા અને ઉત્સવપ્રેમીઓ ગરબે પણ ઘૂમ્યા હતા.

આ વર્ષે ગુજરાતમાં માફકસરની હવા હોવાના કારણે પતંગરસિકોને પતંગ ચગાવવાની સાનુકૂળતા રહી હતી. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં લોકોએ મન મૂકીને પતંગ ચગાવી હતી. આ ઉપરાંત રાજકોટ, વડોદરા, મોડાસા, નડિયાદ, વીસનગર, મહેસાણા સહિતનાં નાનાં- મોટાં શહેરો અને નગરોમાં લોકોએ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વ ઊજવ્યું હતું. બપોર પડતાં જ ઠેર-ઠેર ઊંધિયા–જલેબીની ધાબા-પાર્ટીઓ યોજાઈ હતી.

બીજી તરફ આમ નાગરિકોની જેમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પતંગ ચગાવી હતી. કેન્દ્રીય પ્રધાન અમિત શાહે અમદાવાદમાં સવારે જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યાં હતાં ત્યાર બાદ વેજલપુર અને ગોતા વિસ્તારમાં જઈને કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી. વેજલપુરમાં વિધાનસભ્ય અમિત ઠાકર તેમ જ કાર્યકરોએ તેમની સાથે ઉત્તરાયણનું પર્વ ઊજવ્યું હતું. ગોતામાં અમિત શાહની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હતા અને પતંગ ચગાવી હતી. આ પહેલાં ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયાની પોળમાં જઈને પતંગ ચગાવી હતી. દરિયાપુરના વિધાનસભ્ય કૌશિક જૈન અને કાર્યકરો સાથે ભૂપેન્દ્ર પટેલે તલસાંકળી, ચીક્કીનો પણ આસ્વાદ માણ્યો હતો.

ગુજરાતમાં પતંગની દોરીથી વીસનગરમાં ચાર વર્ષની બાળકી સહિત બેનાં મોત

ઉત્તરાયણના પર્વમાં ગઈ કાલે ગુજરાતમાં પતંગની દોરીએ અનેક જીવો પર તરાપ મારી છે. ગુજરાતમાં પતંગની દોરીથી વિસનગરમાં ચાર વર્ષની દીકરી અને વડોદરામાં એક બાઇકસવારનું મૃત્યુ થયું હોવાની વિગતો જાણવા મળી છે. જોકે એને સત્તાવાર સમર્થન મળ્યું નથી. બીજી તરફ અમદાવાદ, સુરતસહિતનાં સ્થળોએ પતંગની દોરીથી સાંજ સુધીમાં ૩૩૬ પક્ષીઓ અને ૬૨ લોકો ઘાયલ થયાં હતાં. તેમને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

gujarat gujarat news ahmedabad amit shah bharatiya janata party shailesh nayak