મુંબઈમાં સારવાર લેતા યુવક માટે અમદાવાદથી લઈ જવાયા બે હાથ

16 October, 2021 04:41 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

સિવિલ હૉસ્પિટલમાં બ્રેઇન ડેડ નડિયાદના અરુણ પ્રજાપતિના બે હાથને ગ્રીન કૉરિડોર દ્વારા ગ્લોબલ હૉસ્પિટલમાં લવાયા, પહેલીવાર બે હાથના દાન મેળવવામાં મળી સફળતા

બે હાથને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી ગ્રીન કૉરિડોર દ્વારા મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં લઈ જવાયા એ સમયની તસવીર.

ગુજરાતમાં આવેલી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયેલા બ્રેઇન ડેડ પેશન્ટ નડિયાદના અરુણ પ્રજાપતિના બે હાથ ગઈ કાલે ગ્રીન કૉરિડોર દ્વારા મુંબઈ લઈ જવાયા હતા જ્યાં મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયપુરના ૨૨ વર્ષના યુવકમાં ગઈ કાલે જ બે હાથનું પ્રત્યારોપણ કરવા સર્જરી કરવામાં આવી હતી.
સિવિલ હૉસ્પિટલના સુપરીન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘સિવિલ હૉસ્પિટલમાં નડિયાદના બાવન વર્ષના અરુણ પ્રજાપતિ બ્રેઇન ડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી, જેમાં ગુજરાતમાં પહેલી વાર બે હાથના દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાનમાં મળેલા બન્ને હાથ મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ થયેલા જયપુરના યુવકને પ્રત્યારોપણ માટે ગઈ કાલે ગ્રીન કૉરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. મુંબઈની આ હૉસ્પિટલમાં બે હાથના પ્રત્યારોપણ માટે સર્જરી પણ ચાલુ થઈ હોવાની વિગતો મળી હતી.’
બે હાથ ઉપરાંત અરુણ પ્રજાપતિનાં ફેફસાં, હૃદય અને કિડનીનું પણ દાન મળ્યું હતું. હૃદય અને ફેફસાંને ગ્રીન કૉરિડોર દ્વારા ચેન્નઈ મોકલવામાં આવ્યાં હતાં જ્યારે બે કિડની અમદાવાદ સિવિલ મેડિસિટીસ્થિત કિડની હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ દરદીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અરુણ પ્રજાપતિને મગજના ભાગમાં ગાંઠ થતાં સારવાર માટે સિવિલ હૉસ્પિટલમા ઍડ્મિટ થયા હતા જ્યાં તેઓ બ્રેઇન ડેડ જાહેર થતાં તેમના પરિવારને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા.

gujarat news gujarat shailesh nayak Mumbai mumbai news