ખોટા પ્લાન્ટેશનના કારણે સુરતમાં ઘટી રહ્યું છે ગ્રીન કવર

20 June, 2019 01:08 PM IST  |  સુરત

ખોટા પ્લાન્ટેશનના કારણે સુરતમાં ઘટી રહ્યું છે ગ્રીન કવર

સુરત શહેરમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે. પહેલેથી જ શહેરમા ઝાડ ઓછા છે, ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ભારે પવનને કારણે 75 જેટલા મોટા ઝાડ પડી જવાની ઘટના સામે આવી છે. પર્યાવરણવિદો અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ખોટી રીતે ઝાડ વાવ્યા હોવાને કારણે ઝાડ ધરાશાયી થઈ રહ્યા છે. નિષ્માતોનું માનવું છે કે જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂટપાથ બનાવ્યા બાદ ઝાડ વાવવાનું બંધ નહીં કરે તો આ પ્રકારના બનાવો બનતા જ રહેશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા પ્રયાસ નામની એનજીઓના પર્યાવરણવિત દર્શન દેસાઈએ કહ્યું,'સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલિસી એવી છે કે તેઓ પહેલા ફૂટપાથ કે ડિવાઈડર બનાવે છે અને પછી તેમાં ઝાડ વાવે છે. જેને કારણે ઝાડના મૂળને વિકસવા માટે જગ્યા નથી મળથી. પરિણામે ઝાડ નમી પડે છે, અને વન ફૂંકાય ત્યારે પડી જાય છે.'

આ વિશે વધુ વાત કરતા દર્શન દેસાઈએ કહ્યું,'આમાં લોકોની પણ ભૂલ છે. મેં કેટલાક એવા લોકોને પણ જોડાયે છે જેઓ પોતાની તરફ આવતા ઝાડનો એટલો જ ભાગ કાપી નાખતા હોય છે, જેને કારણે ઝાડનું એક તરફનું વજન વધી જાય છે. જ્યારે ભારે વરસાદ પડે કે જમીન ભીની થઈને પોચી થાય તો મૂળ ઢીલા પડી જાય છે, અને વજન વધે ત્યારે ઝાડ પડી જાય છે.'

દર્શન દેસાઈના મત પ્રમાણે આ વસ્તુનો એક જ ઉપાય છે કે ફૂટપાથ કે ડિવાઈડર બનતા પહેલા ઝાડ વાવી દેવા જોઈએ અને પછી તેની આસપાસ ફૂટપાથ બનાવવી જોઈએ. જેન કારણે ઝાડના મૂળ જમીનમાં ઉંડા ઉતરી શકે, તો જમીન પર ઝાડની પકડ મજબૂત થઈ શકે. તો વૃક્ષો વાવતા વિજય દિક્ષીતનું કહેવું છે કે નવા ઝાડને પૂરતી જગ્યા મળવી જરૂરી છે, સાથે જ પૂરતી જમીન પણ મળવી જોઈએ, જેને કારણે તે જમીન પર ટકી શકે.

આ પણ વાંચોઃ કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત જાહેર, થઈ શકે છે આટલી સજા

ઉલ્લેખનીય છે કે શહેરમાં ગ્રીન કવર ઓછું હોવાને કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 15 લાખથી વધુ વૃક્ષો વાવવાનો દાવો કર્યો હતો. પરંતુ સત્ય એ છે કે શહેરમાં કેટલા વૃક્ષ છે તેની કોઈ ગણતરી કરવામાં નથી આવી. છેલ્લે સુરતમાં ઝાડની સંખ્યાની ગણતરી એક દાયકા અગાઉ થઈ હતી ત્યારે આંકડો 3.25 લાખનો હતો.

 

gujarat news surat