અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થશે સી પ્લેન

25 January, 2019 10:02 AM IST  | 

અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થશે સી પ્લેન

ઓગસ્ટ સુધીમાં શરૂ થશે સી પ્લેન સેવા

અમદાવાદના રિવરફ્રન્ટમાં વડાપ્રધાન મોદીએ સી પ્લેનમાં ઉતરાણ કર્યું ત્યારથી રાજ્યમાં સી પ્લેન સેવાને લઈ ચર્ચા ચાલી રહી છે. જો કે આખરે મહિનાઓ બાદ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી પ્રમાણે ઓગસ્ટ મહિના સુધીમાં આ બંને સ્થળો વચ્ચે સી પ્લેન સેવા શરૂ થઈ જશે.

રાજ્ય સરકારે ઉડાન યોજના અંતર્ગત રિજનલ એર કનેક્ટિવિટી વધારવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે છથી 9 સીટરના સી પ્લેનની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ વચ્ચે પણ સી પ્લેન સેવા શરૂ થશે. આ સાથે ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ-2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ઉપરાંત અમદાવાદથી ઓઝાર(નાસિક)ની ફ્લાઇટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચોઃસ્ટેચ્યુ ઑફ યુનિટીના વિરોધમાં કેવડિયાના આદિવાસીઓ ઊજવશે 'કાળી ઉત્તરાયણ'

ગુરુવારે સાંજે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ તમામ નિર્ણય લેવાયા હતા. જે મુજબ સી પ્લેન સહિત રાજ્યમાં વિવિધ 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા 28 જાન્યુારી પહેલા પૂર્ણ કરવાનું નક્કી થયું છે. બેઠકમાં થયેલા નિર્ણય પ્રમાણે અમદાવાદથી શિરડી,શનિ-શિંગણાપુર, ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો પર જવા માટે અમદાવાદથી ઓઝાર(નાસિક) જવા માટે 70 મુસાફરની ક્ષમતાવાળી ફ્લાઇટ તા. 13 ફેબ્રુઆરીથી આરંભાશે. આ ફ્લાઇટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ ટિકિટના દર રૂપિયા 2060 રહેશે.

gujarat news