મિત્રને કોરોનામાંથી સાજો કરવા કોલેજના પાંચ ડૉકટર મિત્રોએ એક કરોડ રુપિયા ભેગા કર્યા

27 May, 2021 10:17 AM IST  |  Ahmedabad | Rachana Joshi

સારવાર માટે એર ઍમ્બ્યુલન્સમાં ચેન્નઈ લઈ ગયા પરંતુ અત્યારે ત્યાં મિત્રની હાલત ગંભીર

ડૉક્ટર તુષાર પટેલને એર ઍમ્બ્યુલન્સમાં લઈ જતા ડૉક્ટર વિસ્મિત જોશીપુરા અને અન્યો

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર એપ્રિલ મહિનામાં પીક પર હતી. આ સમયે અનેક લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. અમદાવાદના ડર્મોટૉલોજીસ્ટ ડૉક્ટર તુષાર પટેલ પણ કોરોના સંક્રમિત થયા અને ધીમે-ધીમે પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી. જીવનના આખરી દિવસો ગણવા જેવો સમય આવી ગયો. શારિરીક રીતે તો પરિસ્થિતિ ખરાબ જ હતી પણ કોરોનાની સાથે અન્ય બીમારીઓ વધતા આર્થિક મુશ્કેલી પણ આવી પડી. ત્યારે તેમના ૨૫ વર્ષ જુના કોલેજના પાંચ મિત્રો મદદે આવ્યા. આ પાંચ મિત્રોમાંથી એક મિત્ર એટલે અમદાવાદના જાણીતા ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર વિસ્મિત જોશીપુરા. પાંચ ડૉક્ટર મિત્રોએ એક મિત્રનો જીવ બચાવવા માટે કઈ રીતે મદદ કરી અને અત્યારે તે મિત્રની પરિસ્થિતિ કેવી છે તે વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ ડૉક્ટર તુષાર પટેલની સારવાર માટે જાન લગાવી દેનાર મિત્ર અને ડૉક્ટર વિસ્મિત જોશીપુરા સાથે વાતચીત કરી હતી.

અમદાવાદના ડૉક્ટર તુષાર પટેલ વ્યવસાયે ડર્મોટૉલોજીસ્ટ છે. તેમના પરિવારમાં પત્ની, દીકરી, માતા, પિતા, ભાઈ અને ભાભી એમ છ સભ્યો છે. ૨૨ એપ્રિલે ડૉકટર તુષાર સહિત ઘરના બધા સભ્યોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન ડૉ તુષારના પિતાનું અવસાન થયું. ત્યારબાદ તેમની તબિયત વધુ બગડી અને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. પરંતુ એપ્રિલ મહિનામાં કોરોના બેકાબૂ હતો ત્યારે હૉસ્પિટલોમાં બેડ ખાલી નહોતા. ડૉક્ટર હોવા છતા તેમને બેડ નહોતો મળી રહ્યો. ત્યારે આ વાતની જાણ ડૉક્ટર તુષારના કોલેજના મિત્ર ડૉક્ટર વિસ્મિત જોશીપુરાને થઈ. તેમણે અન્ય મિત્રો સાથે વાતચીત કરીને ડૉ તુષારને તાત્કાલિક સીઆઈએમએસ હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. હૉસ્પિટલમાં ૧૫ દિવસ બાદ ડૉ તુષારની તબિયત લથડવા લાગી. ફેફસામાં ઈનફેક્શન વધતા વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા. સારવાર ચાલુ હોવા છતા શરીર કોઈ જાતની ટ્રીટમેન્ટને રિસપોન્ડ નહોતું કરતું. ત્યારે ડૉ વિસ્મિત અને અન્ય મિત્રોએ નક્કી કર્યું કે જો આપણા મિત્રનો જીવ બચાવવો હોય તો નિષ્ણાતોની ટીમ બોલાવવી પડશે અથવા તો અન્ય કોઈ હૉસ્પિટલમાં ખસેડવાનો વિચાર કરવો પડશે.

મુળ રાજકોટના ડૉક્ટર વિસ્મિત જોશીપુરા અને મોરબીના ડૉક્ટર તુષાર પટેલ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સાથે ભણતા હતા. ૧૯૯૪માં તેઓ બેચ મેટ્સ હતા. હૉસ્ટેલમાં પણ સાથે જ રહેતા. ત્યારથી મિત્રો હતા. કોલેજ બાદ એકબીજા સાથે દરરોજ સંપર્ક નહીં પણ હા કામને લીધે વાતચીત થતી રહેતી. ડૉક્ટર વિસ્મિત જોશીપુરાએ કહ્યું કે, ‘મને તુષારની પરિસ્થિતિ વિશે જાણવા મળ્યું ત્યારે બહુ જ ચિંતા થઈ હતી. મનોમન નક્કી કરી લીધેલું કે આપણા મિત્રને બચાવવો જ છે. અમદાવાદની સીઆઈઆઈએમએસ હૉસ્પિટલમાં ભરતી કર્યો ત્યારથી હું સતત તેના અને તેના પરિવારના સંપર્કમાં છું. જ્યારે તુષાર કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટને રિસપોન્ડ નહોતો કરતો ત્યારે અમારી ચિંતા વધી અને અમે નિષ્ણાતોનો સંપર્ક કરવાનો વિચાર કર્યો. અમે તબીબી ક્ષેત્રે જોડાયેલા હતા એટલે અમારા માટે એ સરળતા હતી કે અમે અન્ય ડૉક્ટરોનો સંપર્ક જલ્દીથી કરી શકતા હતા. તેની સારવારની સાથે અન્ય બાબતો પર વિચાર કરવાની જરુર હતી. આખો પરિવાર પણ થોડાક સમય પહેલા જ કોરોનામાંથી સાજો થયો હતો અને પિતાની છત્રછાયા ગુમાવી હતી એટલે આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હતી. નિષ્ણાતો પાસેથી સારવાર લેવા જેટલો ખર્ચ પરિવાર ઉપાડી શકે તેમ નહોતો. એટલે અમે પાંચેય મિત્રોએ નક્કી કર્યું કે હવે અમે જ કંઈક કરીશું’.

‘નિષ્ણાતોની સલાહ અને સારવાર માટે સવા કરોડ રુપિયાની જરુર હતી. કોઈ એક વ્યક્તિ કે એક પરિવારથી આટલો ખર્ચ ઉપાડવો મહામરીના આવા સમયે મુશ્કેલ છે. એટલે અમે પાંચેય મિત્રોએ નક્કી કર્યું કે અમે જ કંઈક કરીને ફંડ ભેગું કરીએ. બસ ત્યારે જ અમને અમારા કોલેજના અન્ય મિત્રો યાદ આવ્યા. કોલેજ પુરી થયા પછી કોઈ વિદેશમાં ગયું તો કોઈ દેશના જુદા જુદા રાજ્યોમાં. ભલે દરરોજ ફોન કે મેસેજ દ્વારા સંપર્કમાં ન હોઈએ પણ મિત્ર મુશ્કેલીમાં છે અને મદદની જરુર છે તે માટે સંપર્ક કર્યો કે તરત જ બધા એ એક અવાજે હા ભણી અને મદદ કરવાની ખારતી આપી. ફક્ત કોલેજના મિત્રો જ નહીં પણ કોલેજના પ્રોફેસર પણ મદદ માટે આગળ આવ્યા. કોઈએ પૈસાથી તો કોઈએ અન્ય રીતે તુષારની મદદ કરવાની પુરેપુરી તૈયારી દાખવી’, એમ ડૉ વિસ્મિતે કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સારવાર માટે ફક્ત ફંડ ભેગું કરવું જ મહત્વનું નથી. એ ફંડ બેન્કના કયા ખાતામાં અને કઈ રીતે જશે તે પણ મેનેજ કરવું જરુરી છે. ફંડ માટે ભેગા થતા લાખો રૂપિયા કઈ રીતે ભેગા કરવા? બચત ખાતામાં ફંડ ભેગું થતા આવતા વર્ષે ટેક્સ લાગવાની શકયતા એક મોટી સમસ્યા હતી. ત્યારે અમારા એક પ્રોફેસર આગળ આવ્યા. તેમણે ટેક્સ વિભાગમાં કામ કરતા તેમના એક મિત્ર સાથે મુલાકાત કરાવી અને આ પરિસ્થિતિમાં શું થઈ શકે તેનો રસ્તો અમને બતાવ્યો’.

ડૉક્ટર તુષારની સારવાર માટે અત્યાર સુધીમાં સવા કરોડ રુપિયા ભંડોળ ભેગો થયો છે. જેમાં કોલેજના મિત્રો, સિનિયર્સ, જુનિયર્સ, પરિવારજનો, ડૉક્ટર્સના અસોસિએશન, પાડોશીઓ, તેમનું જ્યાં ક્લિનિક છે ત્યાં આસપાસના દુકાનદારો સહિત લગભગ ૪૫૦થી ૫૦૦ લોકોએ મદદ કરી છે. કોઈએ ૫૦૦ રુપિયા તો કોઈએ ૧,૦૦૦ અને કોઈએ ૨૫,૦૦૦ રુપિયા સુધીની મદદ કરી છે.

ફંડ ભેગું થયા બાદ ડૉક્ટર તુષાર પટેલને એર લિફ્ટ કરીને ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે. એર લિફ્ટ દરમિયાન પણ અનેક મુશ્કેલીઓ આવી હતી તેમ ડૉ વિસ્મિતએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘હવામાં જયારે ૧૫ મિનિટ તુષારને શ્વાસ લેવમાં તકલીફ પડી રહી હતી ત્યારે અમારા પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે એર ઍમ્બ્યુલન્સની ટીમ એટલી એક્સપર્ટ હતી કે બધુ બરાબર હેન્ડલ કરી લીધું હતું.’

ડૉક્ટર તુષાર પટેલની અત્યારે ચેન્નઈની એમજીએમ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, બુધવારે બપોરથી તુષાર પટેલની હાલત ગંભીર છે. મિત્રો અને સ્વજનો પ્રાર્થના કરી રહ્યાં છે કે, તેઓ જલ્દી સાજા થઈ જાય.

gujarat coronavirus covid19 ahmedabad