મહિલા દરદીઓના ચેકઅપના વિડિયોનો વેપલો કરવાના કેસમાં ત્રણ જણ ઝડપાયા

20 February, 2025 07:26 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

માત્ર રાજકોટ જ નહીં, દેશની અલગ-અલગ હૉસ્પિટલોનાં CCTV હૅક કરીને મેળવ્યા છે વિડિયોઃ મહારાષ્ટ્રમાંથી બે અને ઉત્તર પ્રદેશમાંથી એક જણની ધરપકડ

પ્રજ્વલ અશોક તેલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલ

સાઇબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય ષડ‌્યંત્રનો પર્દાફાશ કર્યો અમદાવાદ સાઇબર ક્રાઇમે : માત્ર રાજકોટ જ નહીં, દેશની અલગ-અલગ હૉસ્પિટલોનાં CCTV હૅક કરીને મેળવ્યા છે વિડિયોઃ મહારાષ્ટ્રમાંથી બે અને ઉત્તર પ્રદેશમાંથી એક જણની ધરપકડ 

રાજકોટની પાયલ મૅટરનિટી હૉસ્પિટલમાં મહિલા દરદીઓના ચેકઅપના વિડિયોનો વેપલો કરનારા ત્રણ જણને ગઈ કાલે ઝડપીને અમદાવાદ સાઇબર ક્રાઇમે સાઇબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય ષડ‌્યંત્રનો પર્દાફાશ કર્યો છે. સાઇબર ક્રાઇમે આરોપીઓની કરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે માત્ર રાજકોટ જ નહીં, દેશની અલગ-અલગ હૉસ્પિટલોનાં CCTV કૅમેરા આ લોકોઅે હૅક કર્યા છે. લાતુરનો માસ્ટરમાઇન્ડ પ્રજ્વલ તેલી રોમાનિયા અને ઍટ્લાન્ટાના હૅકર્સનો ઉપયોગ કરીને એક વર્ષથી ગ્રુપ ચલાવતો હતો. સાઇબર ક્રાઇમની અલગ-અલગ ટીમો ગઈ કાલે મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીના સિંહાલાથી એક-એક આરોપીને તેમ જ ઉત્તર પ્રદેશમાંથી એક આરોપીને ઝડપી લઈને આજે તેમને ગુજરાત લઈ આવશે.

અમદાવાદના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ) શરદ સિંગલે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘રાજકોટની પાયલ મૅટરનિટી હૉસ્પિટલના વિડિયોની વિગતો બહાર આવતાં ત્યાંથી ત્રણ મહિનાનો ડેટાબેઝ લઈને ટે​​ક્નિકલ ઍનૅલિસિસ કરતાં ખબર પડી હતી કે ટેલિગ્રામ અને યુટ્યુબ ચૅનલ મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીથી તેમ જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ભીંસથી ચલાવવામાં આવે છે. આ જાણકારી મળતાં તાત્કાલિક લાતુર, સાંગલી, પ્રયાગરાજ અને ગુડગાંવમાં ટીમો રવાના કરી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ગઈ કાલે સાઇબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ મહારાષ્ટ્રના લાતુરથી પ્રજ્વલ તેલી અને સાંગલીના સિંહાલાથી પ્રજ રાજેન્દ્ર પાટીલની તેમ જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ભીંસમાંથી ચંદ્રપ્રકાશ ફુલચંદને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીને લઈને પોલીસ આજે અમદાવાદ આવશે. આ આરોપીઓ પાસે અલગ-અલગ શૉપ્સ, મૉલ, પ્લાઝાના પણ વિડિયો છે અને એના ૮૦૦થી ૨૦૦૦ રૂપિયા ચાર્જ કરતા હતા.’  

gujarat news gujarat ahmedabad cyber crime gujarat government rajkot