ગામ બેટમાં ફેરવાયું

03 July, 2022 12:43 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બોરસદ તાલુકામાં ભારે વરસાદથી એક વ્યક્તિ અને ૯૦ પશુઓનાં મૃત્યુ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત સીસવા ગામની સ્થિતિની માહિતી મેળવી 

બેટમાં ફેરવાયેલા સીસવા ગામે બચાવ–રાહત કામગીરી માટે પહોંચેલી એનડીઆરએફની ટીમ.

બોરસદ તાલુકાના સીસવા ગામે બચાવ-રાહતકામ માટે પહોંચી એનડીઆરએફની ટીમઃ નાળામાં ગરકાવ થયેલા પુરુષની શોધખોળ આદરી, પણ મોડી રાત સુધી પત્તો નથી મળ્યોઃ બોરસદ તાલુકામાં ભારે વરસાદથી એક વ્યક્તિ અને ૯૦ પશુઓનાં મૃત્યુ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત સીસવા ગામની સ્થિતિની માહિતી મેળવી

મધ્ય ગુજરાતના બોરસદ તાલુકામાં ગુરુવારે રાતે પડેલા સવાઅગિયાર ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદના પગલે અને કાંસની સફાઈ નહીં થતાં બોરસદ પાસેનું સીસવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને હજી પણ ગામમાંથી પાણી ઊતર્યાં નથી. એટલું જ નહીં, પરંતુ બોરસદ તાલુકામાં ભારે વરસાદથી એક વ્યક્તિ અને ૯૦ પશુઓનાં મૃત્યુ થયાં છે. સીસવા ગામે બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ ગઈ કાલે પહોંચી હતી. બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત સીસવા ગામની સ્થિતિની માહિતી મેળવી હતી અને રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્રને સૂચના આપી હતી.
ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદના કારણે બોરસદ અને એની આસપાસનાં ગામોમાં તબાહી સર્જાઈ હતી. ગુરુવારે પડેલા વરસાદનાં પાણી બોરસદ પાસે આવેલા સીસવા ગામમાંથી ઊતર્યાં નથી. સ્થાનિકોના કહેવા પ્રમાણે પાણીને પસાર કરતી કાંસની સફાઈ નહીં થતાં વરસાદી પાણી ગામમાં ભરાઈ રહ્યાં છે. ગુરુવારે પડેલા ભારે વરસાદના કારણે નાળામાં એક પુરુષ ગરકાવ થઈ ગયો હતો, જેની શોધખોળ માટે અને બચાવ કામગીરી માટે વડોદરાથી ગઈ કાલે એનડીઆરએફની ટીમ સીસવા ગામે પહોંચી હતી અને નાળામાં ગરકાવ થયેલા પુરુષની શોધખોળ આદરી, પણ મોડી સાંજ સુધી તેનો પત્તો મળ્યો નહોતો. વરસાદના કારણે બોરસદ અને આસપાસનાં ગામોનાં ઘરોમાં ભરાયેલાં પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે એનડીઆરએફની એક ટુકડી બચાવ-રાહત કાર્યમાં જોડાઈ હતી.
૭૦૦૦ની વસ્તી ધરાવતા સીસવા ગામે વરસાદી પાણી ભરાઈ રહેતાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ગઈ કાલે પણ કંઈ કેટલાંક ઘરોમાં વરસાદી પાણી ભરાયેલાં હતાં, જેના કારણે અનાજ-કરિયાણું સહિતનું રાચરચીલું બગડી ગયું હતું અને નુકસાન થયું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બોરસદ તાલુકામાં પડેલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ચિતાર આણંદ જિલ્લાના કલેક્ટર સાથે ગઈ કાલે ટેલિફોનિક વાતચીત કરીને મેળવ્યો હતો. ખાસ કરીને સીસવા ગામની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાંથી ગ્રામજનોનું સલામત સ્થળે સ્થળાંતર તેમ જ નાગરિકો અને પશુઓની સલામતી વિશે પણ વિગતો મેળવી હતી. ભારે વરસાદના કારણે બોરસદ તાલુકામાં એક માનવ અને ૯૦ જેટલાં પશુઓનાં મૃત્યુ થયાં છે, એની જાણકારી મેળવીને નિયમાનુસાર સહાય ઝડપથી ચૂકવાઈ જાય એ માટેની સૂચના આપી હતી.
gujarat gujarat news ahmedabad