વડા પ્રધાને બનાસકાંઠાની મહિલાઓને પૂછ્યું, ૧૨ મહિને કેટલું કમાતાં હશો?

20 April, 2022 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠાની પ્રગતિશીલ મહિલાઓ સાથે ગઈ કાલે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરીને તેમને બિરદાવીને દીકરીઓને ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બનાસકાંઠાની બહેનો સાથે સંવાદ કર્યો હતો

અમદાવાદ : ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠાની પ્રગતિશીલ મહિલાઓ સાથે ગઈ કાલે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરીને તેમને બિરદાવીને દીકરીઓને ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો. પોતાની આવડતથી બે પાંદડે થયેલી પશુપાલન – ખેતી કરતી મહિલાઓ સાથે વાતચીત કરતાં વડા પ્રધાને હળવાશમાં પૂછ્યું હતું કે ૧૨ મહિને કેટલું કમાતાં હશો, ખાનગી ન હોય તો કહેજો મને, હું કંઈ લેવા નહીં આવું. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિયોદરમાં બનાસ ડેરી સંકુલ અને તેના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. બનાસકાંઠા આવેલા નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બનાસકાંઠાની અંદાજે ૨૩ જેટલી બહેનો સાથે ખુલ્લા મને ચર્ચા કરીને તેમની વિગતો જાણી હતી. બહેનોએ તેમને જ્યોતિગ્રામ યોજના, રાંધણગૅસની ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓથી તેમની મુશ્કેલીઓ દૂર થઈ છે તેમ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ તબક્કે એમ પૂછ્યું હતું કે ૨૦ કરતાં વધુ ગાય હોય એવા કોણ છે. તેમ પૂછતા એક બહેને કહ્યું હતું કે મારે ત્યાં ૪૫ ગાય અને ૮૫ ભેંસ છે જેના દ્વારા એક કરોડ ૨૬ લાખનું દૂધ ભરાયું હતું. આ સાંભળીને વડા પ્રધાન અચરજ પામી ગયા હતા. એક મહિલાએ તેમના ખેતરમાં ખેત તલાવડીથી થયેલા ફાયદા જણાવ્યા હતા. નરેન્દ્ર મોદીએ આ મહિલાઓને વીજળી અને પાણીની બચત કરવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ પ્રસંગ છે ત્યારે દરેક જિલ્લામાં ૭૫ મોટાં તળાવ બનાવવા છે. 
બનાસકાંઠાના દિયોદરમાં સભા સ્થળે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓએ નરેન્દ્ર મોદીનાં ઓવારણાં – દુખણાં લીધાં હતાં અને માતાજી તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. નરેન્દ્ર મોદી આ તબક્કે ભાવુક થયા હતા અને સંબોધન કરતાં કહ્યું હતું કે કદાચ જીવનમાં પહેલીવાર આવો અવસર આવ્યો હશે કે એકસાથે દોઢ બે લાખ માતા-બહેનો આજે મને આશીર્વાદ આપી રહી છે. તમે ઓવારણાં લઈ રહ્યાં હતાં ત્યારે હું મારા મનનો ભાવ રોકી નહોતો શક્યો. તમારા આશીર્વાદ અણમોલ આશીર્વાદ છે. અણમોલ શક્તિ–ઊર્જાનું કેન્દ્ર છે. બનાસકાંઠાની સૌ માતા-બહેનોને આદરપૂર્વક નમન કરું છું. પશુપાલનનું કામ મેં જોયું છે કે બનાસકાંઠાની માતા-બહેનો ઘરમાં જેમ સંતાનોને સાચવે તેના કરતાં વધુ લાગણીથી એના પશુને સાચવે છે. પશુઓને ચારો-પાણી ન મળ્યાં હોય તો માતા-બહેનો પોતે પાણી પીતાં અચકાતી હોય છે. ક્યાંક લગન માટે કે વાર-તહેવાર માટે એક રાત બહાર જવાનું હોય તો સગાંવહાલામાં લગન છોડી દે, પણ પશુને એકલા છોડીને ન જાય. આ ત્યાગ અને તપશ્ચર્યા છે. આ માતા-બહેનોની તપશ્ચર્યાનું પરિણામ છે કે આજે બનાસ ડેરી ફુલીફાલી છે અને એટલા માટે મારા નમન મારી આ બનાસકાંઠાની માતા-બહેનોના ચરણોમાં છે.
બનાસ ડેરીની કામગીરીની સરાહના કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બનાસકાંઠાની આ કો-ઑપરેટીવ મુવમેન્ટ બનાસકાંઠાના ઉજ્જવળ ભવિષ્યનું એક ગતિશીલ કેન્દ્ર બની ગયું છે. મુખ્ય પ્રધાન હતો ત્યારે ખડેપગે રહેતો હતો. તમે મને દિલ્હી મોકલ્યો તો પણ મેં તમને નથી છોડ્યા. તમારા સુખ-દુઃખમાં ઊભો રહ્યો છું. હું તમારો સાથી છું. તમારી પડખે ઊભો રહીને કામ કરવા માગું છું.
નરેન્દ્ર મોદીએ બનાસ ડેરી સંકુલની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્લાન્ટ જોયા હતા. 

gujarat gujarat news narendra modi