ગુજરાત સરકાર જમીન ખરીદીને પાત્રતા ધરાવતા પરિવારોને વિનામૂલ્ય ઘરથાળના પ્લૉટ આપશે

16 August, 2026 02:33 PM IST  |  Gujarat | Gujarati Mid-day Correspondent

ગ્રામપંચાયત પાસે જમીન ઉપલબ્ધ નહીં હોય તો ગુજરાત સરકાર જમીન ખરીદીને પાત્રતા ધરાવતા પરિવારોને વિનામૂલ્ય ઘરથાળના પ્લૉટ આપશે

ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપીને કરી જાહેરાત : ૮૦મા સ્વતંત્રતાદિવસની અમરેલીમાં રાજ્યકક્ષાની થઈ ઉજવણી

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૮૦મા સ્વતંત્રતાપર્વની અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેમાં ગ્રામપંચાયત પાસે જમીન ઉપલબ્ધ નહીં હોય તો ગુજરાત સરકાર જમીન ખરીદીને પાત્રતા ધરાવતા પરિવારોને વિનામૂલ્ય ઘરથાળના પ્લૉટ આપશે.  

ગુજરાતના ગ્રામ્યવિસ્તારોમાં વસતા અને પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાક માટે ઘરથાળનો પ્લૉટ વિનામૂલ્ય આપવાની યોજના અમલમાં છે. આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબોના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાત ઉત્તરોત્તર વધતી જાય છે. આ જરૂરિયાત સંતોષી શકાય એ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હાઉસિંગ ફૉર ઑલ’ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેણાક આવાસ પૂરા પાડવાના મહત્ત્વપૂર્ણ નિર્ણય વિશે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘ગ્રામીણ વિસ્તારોમાં વસતાં પાત્રતા ધરાવતાં કુટુંબોની વધતી વસ્તી અને આવાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જો ગ્રામપંચાયત પાસે ગામતળ, સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ નહીં હોય તો રાજ્ય સરકાર ખાનગી જમીન ખરીદીને પણ પાત્ર પરિવારોને વિનામૂલ્ય પ્લૉટ ફાળવશે.’ 

gujarat news gujarat bhupendra patel gujarat government independence day