21 July, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયા વિમાન-દુર્ઘટના
તાતા સન્સે શુક્રવારે મુંબઈમાં ‘ધી AI-171 મેમોરિયલ ઍન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ નામના જાહેર ચૅરિટેબલ ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટ અમદાવાદ વિમાન-દુર્ઘટનાના પીડિતોને સમર્પિત છે. કંપનીએ જણાવ્યું હતું કે તાતા સન્સ અને તાતા ટ્રસ્ટ્સ સંયુક્ત રીતે ટ્રસ્ટને ૫૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
આ ટ્રસ્ટ વિમાન-દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના આશ્રિતો/નજીકના સંબંધીઓ, ઘાયલ થયેલા લોકોને અને અકસ્માતથી સીધી અથવા અન્ય રીતે અસરગ્રસ્ત થયેલા અન્ય તમામ લોકોને તાત્કાલિક અને સતત સહાય પૂરી પાડશે. અકસ્માત પછી અમૂલ્ય સંસ્થાકીય સહાય અને સેવા પૂરી પાડનારા લોકો, તબીબી અને આપત્તિ રાહત વ્યાવસાયિકો, સામાજિક કાર્યકરો અને સરકારી કર્મચારીઓને કોઈ પણ આઘાત અથવા તકલીફને દૂર કરવા માટે ટ્રસ્ટ સહાય પૂરી પાડશે.
૫૦૦ કરોડ રૂપિયાના ભંડોળમાંથી જીવ ગુમાવનારા લોકોના પરિવાર માટેની એક કરોડ રૂપિયાની સહાય તથા ગંભીર ઈજાગ્રસ્તોની તબીબી સારવાર અને અકસ્માતમાં નુકસાન પામેલા બી. જે. મેડિકલ કૉલેજ હૉસ્ટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ માટેની સહાયનો સમાવેશ થાય છે. ટ્રસ્ટનું સંચાલન પાંચ સભ્યોના ટ્રસ્ટીમંડળ દ્વારા કરવામાં આવશે.