23 December, 2025 08:00 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સાસુઓએ વહુઓને તુલસીના છોડ આપ્યા હતા.
સુરતના પોપટભાઈ પ્રેમજીભાઈ એટલે PP સવાણી પરિવાર દ્વારા યોજાયેલા પિતા વગરની ૧૧૧ દીકરીઓના લગ્ન-સમારોહમાં આવકારદાયક અને સમાજને રાહ ચીંધતું સદ્કાર્ય થયું હતું જેમાં સાસુઓ તેમની વહુઓના હાથ પકડીને લગ્નમંડપ સુધી લઈ ગઈ હતી તેમ જ તુલસીના છોડ આપીને તેમનું માયરામાં સ્વાગત કર્યું હતું.
જુઓ કેવો ભવ્ય હતો લગ્ન-સમારોહ.
લગ્ન-સમારોહમાં નવદંપતીઓ.
લગ્ન-સમારોહમાં ઉપસ્થિત સ્વજનોએ નવદંપતીઓની આરતી ઉતારી હતી.
ખ્રિસ્તી દીકરીનાં લગ્ન.
મુસ્લિમ દીકરીનાં લગ્ન.
સુરતમાં એક માંડવા નીચે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની પિતા વગરની ૧૧૧ દીકરીઓનાં હર્ષોલ્લાસ સાથે રંગેચંગે લગ્ન શનિવાર-રવિવારે યોજાયાં હતાં. સુરતના PP સવાણી પરિવાર દ્વારા ‘કોયલડી’ થીમ સાથે ધામધૂમથી ઉલ્લાસપૂર્ણ રીતે લગ્ન કરાવ્યાં હતાં. સવાણી પરિવારના મહેશ સવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરીઓ તુલસી-ક્યારા સમાન છે ત્યારે દીકરીઓને તુલસીના છોડની જેમ સાસુમા સાથે લઈ જાય એવો ભાવ હતો એટલે આ લગ્નમાં સાસુઓ પોતાની વહુઓને હાથ પકડીને લગ્નમંડપ સુધી દોરી ગઈ હતી અને તુલસીના છોડ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. સામાન્ય રીતે દીકરીઓને તેમના ભાઈ કે મામા લગ્નમંડપમાં લાવે છે, પરંતુ આ પ્રસંગે સાસુઓ વહુને લગ્નમંડપ સુધી લઈ ગઈ હતી.’
બે દિવસના લગ્ન-સમારોહનું દીપપ્રાગટ્ય એવી ૧૬ મહિલાઓએ કર્યું હતું જેમણે પરિવારના સભ્યના અંગદાન માટે સંમતિ આપી હોય. એ વિશે વાત કરતાં મહેશ સવાણીએ કહ્યું હતું કે ‘જે પરિવારના સભ્ય બ્રેઇન-ડેડ થયા હોય અને એ પરિવારની મહિલા સભ્યએ તેના અંગદાન માટે સંમતિ આપી હોય એવી ૧૬ મહિલાઓના હાથે આ લગ્ન-સમારોહની દીપપ્રાગટ્યવિધિ કરાવી હતી. આ ૧૬ મહિલાઓએ તેમના પરિવારના બ્રેઇન-ડેડ સભ્યના અંગદાનથી ૧૦૫ લોકોનાં જીવન બચાવ્યાં હતાં.’