21 April, 2025 07:32 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
હનુમાનદાદાની મૂર્તિને નમન કરતા પ્રેમ લોહાણા અને તેમનો દીકરો.
સુરતમાં હનુમાનદાદાના પરમ ભક્ત પ્રેમ શીતલ લોહાણાએ પવનપુત્રની સવાછ ફુટ ઊંચી મૂર્તિની ઘરમાં સ્થાપના કરી છે.
આ મૂર્તિ ચાંદીના ઉપયોગથી બની છે અને સોનાના આવરણવાળી છે. ઘરમાં હનુમાનજીની આટલી મોટી મૂર્તિની સ્થાપના કરવા પાછળનું કારણ જણાવતાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પ્રેમ શીતલ લોહાણા ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૧૦માં આ મૂર્તિની સ્થાપના મારા ઘરમાં કરવામાં આવી હતી. આજે પણ મારા ઘરે ઘણા લોકો દર્શન કરવા આવે છે. અમારે ત્યાં હનુમાનજીની આ મૂર્તિ નહોતી એ પહેલાં કોઈને પણ કોઈ તકલીફ હોય તો અમારે ત્યાં આવે અને મારા પિતાજી તેમને સાળંગપુરના હનુમાનજી મંદિરે લઈ જતા. મહિનામાં બેથી ચાર વાર તો એવું બનતું જ. પછી એક દિવસ સાળંગપુરમાં હનુમાનદાદાનાં દર્શન કરવા અમે ગયા અને તેમને પ્રાર્થના કરી કે દાદા, તમે અમારા ઘરે પધારો. એ પછી ૨૦૧૦માં રામનવમીના દિવસે હનુમાનદાદાની સવાછ ફુટ ઊંચી અને પહોળી મૂર્તિની સ્થાપના અમારા ઘરમાં કરવામાં આવી હતી. આ મૂર્તિનું વજન ૩૬૦ કિલો છે. આ મૂર્તિમાં પ્યૉર ચાંદીનો ઉપયોગ થયો છે અને ૨૦૦ ગ્રામ જેટલા સોનાનું આવરણ મૂર્તિ પર કરવામાં આવ્યું છે. આજે પણ લોકો અમારા ઘરે હનુમાનજીનાં દર્શન કરવા આવે છે અને દાદા સમક્ષ બેસીને લોકો પ્રાર્થના કરે છે. જે માગે છે એ દાદા પૂરું કરે છે. તેમનું કામ થઈ જાય છે. આજ સુધી કોઈ ખાલી હાથે અમારે ત્યાંથી ગયું નથી. હનુમાન જયંતીના દિને પણ અમારા ઘરે હનુમાનદાદાનાં દર્શન કરવા ઘણા લોકો આવ્યા હતા અને અમે દર્શન માટે ઘર ખુલ્લું રાખ્યું હતું.’
પ્રેમ લોહાણા અને તેમનો પરિવાર હનુમાનદાદાનો પરમ ભક્ત છે અને કદાચ એટલે જ તેમણે તેમના દીકરા અને તેમના વેપારધંધાનાં સ્થળોનાં નામ હનુમાનજી અને રામાયણનાં પાત્રો પરથી પાડ્યાં છે. તેઓ કહે છે, ‘મારા દીકરાનું નામ અંગદ પાડ્યું છે. મારે બિઝનેસ છે તો એક ફર્મનું નામ મહાબલી ટેક્સટાઇલ્સ છે, બીજીનું કપિલ ટ્રાન્સપોર્ટ છે. એક ફર્મનું નામ સીતારામ ફૅબ્રિક પાડ્યું છે. હનુમાનજીની ભક્તિ કરીએ છીએ અને દાદાની કૃપા છે કે તેમની સેવા કરીએ છીએ.’