સુરતમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરનારને ફાંસીની સજા, કોર્ટે ૨૯ દિવસમાં આપ્યો ચુકાદો

07 December, 2021 04:04 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

ભોગ બનનાર અઢી વર્ષની બાળકીની માતાએ ન્યાયાલયના આ ચુકાદાને આવકાર્યો હતો. કોર્ટમાં બાળકીની માતા રડી પડી હતી. બાળકીની માતાએ કહ્યું હતું કે “સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી.”  ઝડપી ન્યાયને પણ તેમણે આવકાર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના સુરતની એક કોર્ટે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવા બદલ એક વ્યક્તિને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે આઠ દિવસમાં વ્યક્તિ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તે જ સમયે, કોર્ટે માત્ર ૨૯ દિવસમાં આ કેસ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ બળાત્કારની ઘટના બની હતી. કોર્ટમાં જજે અગાઉ આરોપીને દોષી ઠેરવ્યો હતો, ત્યારબાદ આજે તેને સજા સંભળાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ આ મામલે પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું હતું કે “પોલીસે દિવાળી હોવા છતાં તહેવારને અવગણીને બાળકીની શોધખોળ ચલાવી હતી. બાળકી મળી આવ્યા પછી પીએમમાં તેના પર દુષ્કર્મ થયાનું સામે આવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને તમામ વૈજ્ઞાનિક પૂરાવા એકઠાં કર્યા હતાં. બાદમાં માત્ર આઠ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસની એસઓજી ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ ઝડપી કામગીરી કરીને બાળકીને ન્યાય અપાવ્યો છે.” “પાંડેસરા ટીમ અને આ કેસમાં કામ કરનાર જવાનોને સ્પેશિયલ પુરસ્કાર માટે રજૂઆત કરીશ તેમ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું.”

ભોગ બનનાર અઢી વર્ષની બાળકીની માતાએ ન્યાયાલયના આ ચુકાદાને આવકાર્યો હતો. કોર્ટમાં બાળકીની માતા રડી પડી હતી. બાળકીની માતાએ કહ્યું હતું કે “સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી.”  ઝડપી ન્યાયને પણ તેમણે આવકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડૉક્ટરો, એફએસએલ, આરોપીના ઘરમાલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી.

ગુજરાતમાં જ બળાત્કાર કરનાર વધુ એક વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્ફોસિટી પોલીસે 33 વર્ષીય બળાત્કારીને ઝડપી લીધો છે. તેની સામે ગાંધીનગરના એક વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીર બાળકી પર લલચાવીને બળાત્કાર ગુજારવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઇન્ફોસિટી પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા મજૂર પરિવાર સાથે સંબંધિત છે. વિપુલ રાવલ નામના 33 વર્ષીય વ્યક્તિ દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેણે પીડિતાને વારંવાર હવસનો શિકાર બનાવ્યો હતો, જેના કારણે પીડિતાનું માસિક ચક્ર બંધ થઈ ગયું હતું. એક દિવસ માતાએ પૂછ્યું તો તેણે રડતાં રડતાં સત્ય કહ્યું હતું, જે બાદ માતાએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

gujarat news gujarat surat