સુરતના કડોદરામાં દોરા બનાવતી કંપનીમાં શૉર્ટ સર્કિટના કારણે આગ

15 June, 2019 12:03 PM IST  | 

સુરતના કડોદરામાં દોરા બનાવતી કંપનીમાં શૉર્ટ સર્કિટના કારણે આગ

પ્રતીકાત્મક તસવીર

સુરતના કડોદરા નજીક આવેલ પુરીગામ પાસે ગણપત ક્રિએશન નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ગણપત ક્રિએશનમાં મોડી રાત્રે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. મોડી રાત્રે લાગેલી આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, 9 કલાક કરતા પણ વધુ સમય થવા છતા આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના સમાચાર સાથે કડોદરા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોચી હતી જો કે આગ પર કાબુ ન મેળવી શકાતા સુરત ફાયરબ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી

કડોદરા-નિયોલ ચેક પોસ્ટ નજીક આવેલી ગણપત ક્રિએશન દોરા બનાવતી કંપની છે અને આ કંપનીના માલિક જયેશભાઈ ચલિયા છે. કંપનીમાં લાગેલી આગને 9 કલાક કરતા વધુ સમય થઈ ચૂક્યો છે ત્યારે હજુ પણ આ આગ પર કાબૂ મેળવી શકાયો હતો નહી. આગના કારણે કંપનીની બિલ્ડીંગ અને તેમા રહેલો માલ-સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે અને આગની અસર આજુબાજુની કંપનીઓ પર પણ જોવા મળી રહી છે. આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આગ લાગવાના કારણે લોકોની ભીડ ઉમટી પડી હતી જેના કારણે ફાયરબ્રિગેડને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેના કારણે સુરત પોલીસની મદદ લેવામાં આવી હતી. હાલ આગના કારણે કોઈ જાનહાનિની માહિતી મળેલી નથી જો કે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: વડોદરા: ડભોઈની દર્શન હોટલમાં ખાળકુવાની સફાઈ કરવા ઉતરેલા 7 મજૂરના મોત

ઉલ્લેખનીય છે કે, 24 મેના સુરતના તક્ષશિલામાં આગના કારણે 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને 1 મહિનો પણ નથી થયો ત્યારે શૉર્ટ સર્કિટના કારણે બીજી ભયાનક ઘટના સામે આવી રહી છે. તક્ષશિલા આગ બાદ સરકાર અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી.

gujarat gujarati mid-day