સુરત કોર્ટે 10  વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી

13 October, 2021 05:01 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એક નરાધમે 10 વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યુ હતું.

પ્રતીકાત્મક તસવીર

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એક નરાધમે 10 વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યુ હતું. આ શખ્સ સામે યુપી અને પંજાબમાં અવાર-નવાર બળાત્કારના કેસ નોંધાયેલા છે. સચિનમાંથી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરવા મામલે આજે સુરત સેશન્સ કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઇન્દ્રજીત ઇશ્વર પ્રસાડ નામનો આ શખ્સ યુપી અને પંજાબમાં બાળકીને પોતાની બહેન તરીકે સગા-સંબંધીઓ અને પરિચિત લોકોમાં ઓળખ આપી બળાત્કાર ગુજારતો હતો. બાળકીઓ સાથે વધતા જતા દુષ્કર્મ કેસને લઈ કોર્ટે સમાજમાં દાખલા રૂપ ઉદાહરણ બેસે એ બદલ અલગ અલગ કલમના ગુનામાં અલગ અલગ સજા અને દંડ ફટકાર્યો હતો. 

આ ઘટના વર્ષ 2017માં બની હતી. એક 10 વર્ષની બાળકી પોતાના ઘર બહાર બહેનપણીઓ સાથે રમી રહી હતી. આ દરમિયાન બાળકી ક્યાં ગુમ થઈ ગઈ તેની કોઈને જાણ નહોતી.  બજારેથી આવેલી માતાને અચાનક બાળકી ન દેખાતા શોધખોળ હાથ ધરી હતી. બાદમાં બાળકીની કોઈ ભાળ ન મળતા પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ મોબાઈલ લોકેશન દ્વારા આરોપી સુધી પહોંચી હતી.પોલીસે મોબાઈલ લોકેશનને આધારે તપાસ કરતા આરોપી ઇન્દ્રજીત યુપીમાં હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં જ્યારે સુરત પોલીસની  ટીમ યુપી પહોંચી તો આરોપી બાળકીને લઈ પંજાબ જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રણનીતિ બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકી તથા આરોપી બંનેને પોલીસ સુરત લઈ આવી હતી. બાદમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેના 6 મહિના બાદ સુરત સેશન્સ કોર્ટે આ મામલે સુનાવણી કરી આરોપીને સજા ફટકારી હતી. 

 

gujarat gujarat news surat