કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક ૮ હેક્ટરમાં બનશે સિંદૂર વન

04 June, 2025 07:33 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

ગુજરાત સરકારે ભુજ-માંડવી રોડ પર મિર્ઝાપરમાં ઑપરેશન સિંદૂરને સમ​​ર્પિત સ્મારકના કામનો આરંભ કર્યો, દોઢ વર્ષમાં તૈયાર થશે

ઑપરેશન સિંદૂરની ફાઈલ તસવીર

ગુજરાત સરકારના વન વિભાગે ઑપરેશન સિંદૂરને સમર્પિત એક મેમોરિયલ પાર્ક પર કામ શરૂ કર્યું છે અને એને સિંદૂર વન તરીકે ઓળખવામાં આવશે. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદે ભુજ-માંડવી રોડ પર મિર્ઝાપરમાં આઠ હેક્ટર જમીનમાં એ તૈયાર કરવામાં આવશે અને આશરે દોઢ વર્ષમાં આ તૈયાર થઈ જશે. આ પાર્ક સંરક્ષણ દળો તેમ જ રાષ્ટ્ર દ્વારા પ્રદર્શિત એકતાના સન્માનના પ્રતીક તરીકે તૈયાર કરવામાં આવશે.

આ સંદર્ભમાં કચ્છના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬ મેએ ગુજરાતની તેમની પ્રથમ મુલાકાત વખતે જ્યાં જાહેર સભા યોજી હતી એ જમીનનો પણ એમાં સમાવેશ છે, આ પાર્કમાં ગીચ જંગલ તૈયાર કરવામાં આવશે.

સિંદૂર વનમાં ૨૨ એપ્રિલે પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને સમર્પિત એક વિસ્તાર હશે. ૨૬ લોકોમાંથી ત્રણ ગુજરાતના હતા.

સિંદૂર વનમાં આઠ હેક્ટર જમીન પર ઔષધિઓ, ઝાડીઓ અને વૃક્ષો સહિત ઉચ્ચ ઘનતાવાળાં વૃક્ષોનો સમાવેશ થશે. આ શહેરી વિસ્તાર વન કવચ અથવા સૂક્ષ્મ જંગલનું સ્વરૂપ લેશે, જેમાં મુખ્યત્વે સિંદૂરના છોડ વાવવામાં આવશે. સ્થાનિક પર્યાવરણ અને માટીની સ્થિતિને અનુરૂપ સિંદૂર છોડ સાથે લગભગ ૩૫ વનસ્પતિ પ્રજાતિઓ વાવવામાં આવશે અને પ્રતિ હેક્ટર આશરે ૧૦,૦૦૦ છોડનું વાવેતર કરવામાં આવશે.

kutch bhuj mandvi pakistan india operation sindoor Pahalgam Terror Attack gujarat gujarat government indian army environment news gujarat news