શ્રી વર્ધમાન પરિવારની વિજય રૂપાણીને અંજલિ

14 June, 2025 11:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જીવદયાના મસીહા અને કુશળ આયોજનકાર વિજય રૂપાણીનું યોગદાન અમર રહેશે

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના આકસ્મિક મૃત્યુથી માત્ર ગુજરાતે જ નહીં, સમગ્ર દેશે એક કુશળ આયોજનકાર અને જીવદયાના મસીહાને ગુમાવ્યો છે.

શ્રી વર્ધમાન પરિવાર આ બાબતે પોતાને એટલા માટે નસીબવંતું માને છે કેમ કે એક વખત ગાંધીનગરમાં બુધવારની રોજિંદી બોર્ડ-મીટિંગ છોડીને હેલિકૉપ્ટરમાં વિજયભાઈ શ્રી અમદાવાદ પાંજરાપોળ વતી સંવેગ લાલભાઈ દ્વારા શ્રી વર્ધમાન પરિવારને અપાયેલા જીવદયાના બે કરોડ રૂપિયાના ચેકના અર્પણ માટે રાજકોટ પધાર્યા હતા અને શ્રી વર્ધમાન પરિવાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ૫૦ કરોડના ખર્ચે થયેલા જીવદયાના કાર્યની અનુમોદના કરી હતી.

દુષ્કાળ વખતે પશુઓની સબસિડી હોય કે જીવતાં પશુઓની નિકાસ વખતે રાજ્ય સરકાર દ્વારા એના પ્રતિબંધ માટે જે ઉચિત પગલાં લેવાનાં હોય કે આકસ્મિક પૂર કે ધરતીકંપ આદિની સમસ્યા વખતે વિજયભાઈએ ત્વરિત અને હકારાત્મક પગલાં લીધાં હતાં એ માત્ર અનુકરણીય નહીં, અનુમોદનીય પણ હતાં.
રાજ્યકર્તાઓનાં દુષ્ટોને દંડ આપવો, સજ્જનોનું સન્માન કરવું, અપક્ષપાત રાખવો, રાષ્ટ્રની રક્ષા કરવી અને ન્યાયથી કોષની વૃદ્ધિ કરવી જેવાં પાંચ કર્તવ્યો તેઓ સુપેરે જાણતા અને પોતાના જીવનમાં એનો અમલ પણ કરતા હતા.

ગુજરાતની પ્રજાના કલ્યાણ માટે તેમણે કરેલો અથાગ પુરુષાર્થ દર્શનીય છે અને તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે લીધેલાં દરેક પગલાં કેન્દ્ર સરકારના દ્વાર સુધી પડઘમ વગાડતાં હતાં.
પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે અને અનેક જીવોના આકસ્મિક મૃત્યુ બાદ પરિવાર પર આવી પડેલી આવી મોટી વિટંબણાને સહન કરવા પ્રભુ સર્વને શક્તિ, સામર્થ્ય આપે.

Vijay Rupani plane crash air india ahmedabad gujarat gujarat news