જય જગન્નાથના ગગનભેદી નારા ગુંજ્યા

02 July, 2022 09:42 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સરસપુરમાં હાથીઓની એન્ટ્રી સાથે જય રણછોડ, માખણચોર, જય જગન્નાથના નારાથી આવકાર : જગન્નાથજીની પધરામણીથી સરસપુરવાસીઓ થયા ઘેલા, ભગવાનનું કર્યું મામેરું

સરસપુર વિસ્તારમાં હાથીઓની એન્ટ્રી સાથે સરસપુરવાસીઓમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી.

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરથી પ્રારંભ થયેલી રથયાત્રામાં સરસપુર વિસામાના સ્થળે રથયાત્રીઓ સહિતના ભાવિકો માટે પૂરી-શાક, મોહનથાળ, બબૂંદી, મિક્સ શાક અને કઠોળ સહિતના ભાવતાં ભોજન પીરસાયાં હતાં.

ગઈ કાલે સરસપુરમાં શણગારેલા હાથીઓની એન્ટ્રી સાથે જ જય રણછોડ, માખણચોર, જય જગન્નાથના ગગનભેદી નારા ગુંજી ઊઠ્યા હતા. જગન્નાથજીની પધરામણીથી સરસપુરવાસીઓ હરખ ઘેલા થયા હતા. ભક્તિ ગીતો અને ભજનોની રમઝટ જામી હતી અને સરસપુરવાસીઓ તેમ જ બહારથી આવેલા ભાવિકો ઝૂમી ઊઠ્યા હતા. આખું સરસપુર જાણે ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું. સરસપુર ભગવાનનું મોસાળ છે ત્યારે અહીં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ગઈ કાલે ભગવાનનું મામેરું પણ કરવામાં આવ્યું હતું.

સરસપુર એ રથયાત્રાના વિસામાનું સ્થળ છે જ્યાં રથયાત્રીઓ સહિતના ભાવિકો માટે એક એક શેરીએ, પોળોમાં રસોડા ધમધમી ઊઠ્યાં હતા. આંબલીવાડ, તળિયાની પોળ, કડિયાવાડ, પાંચાવાડ, લીમડાની પોળ, લુહાર શેરી, પીપળાની પોળ સહિતની પોળો અને શેરીઓમાં ભાવિકો માટે પાક્કું જમણ પીરસાયું હતું. આંબલીવાડના નાકે ભાવિકો અને સાધુ-સંતો માટે રસોડું કરતા પ્રો. વિદ્યાનંદ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દસ હજાર ભાવિકો માટે પૂરી-બટાટાનું શાક, કઠોળ, બૂંદી, ફૂલવડીનો પ્રસાદ બનાવ્યો હતો અને ભાવથી તમામને જમાડ્યા હતા. રસોઈની તૈયારી અમે બે દિવસથી કરી રહ્યા હતા.’

સરસપુર વિસ્તારમાં એક-એક પોળ અને શેરીઓના રહેવાસીઓ ગઈ કાલે ભાવિકોને ભોજન સેવા આપવા ખડેપગે રહ્યા હતા અને ભાવિકોને પ્રેમથી જમાડતા હતા. 

gujarat gujarat news ahmedabad Rathyatra