ગુજરાતમાં રામનવમીની શોભાયાત્રા વખતે તોફાનો થયા બાદ શાંતિ

11 April, 2022 08:36 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

હિંમતનગર અને ખંભાતના શક્કરપુરામાં અસામાજિક તત્ત્વોએ દુકાનો, લારી-ગલ્લા અને વાહનોમાં આગ લગાવી તોડફોડ કરી, પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં છાપરિયા ખાતે અને આણંદ જિલ્લામાં ખંભાતના શક્કરપુરામાં તોફાની તત્ત્વોએ પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં દુકાનો, લારી-ગલ્લા અને વાહનોમાં આગ લગાવી તોડફોડ કરવામાં આવતાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી લાગતાં પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો બન્ને સ્થળે પહોંચી ગયો હતો. હિંમતનગરમાં તો સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી જિલ્લામાંથી પણ પોલીસ બોલાવવી પડી હતી. જોકે મોડી સાંજે બન્ને શહેરોમાં અજંપાભરી શાંતિ છવાઈ હતી.

ગઈ કાલે રામનવમી નિમિત્તે બપોરે છાપરિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાંથી શોભાયાત્રા નીકળી હતી. વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રા છાપરિયા બેઠક પાસે પહોંચી હતી ત્યારે અચાનક જ અસામાજિક તત્ત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કરતાં શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં બે જૂથોના ટોળા સામસામે આવી ગયા હતા અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ એક જીપ સહિત ત્રણ બાઇકને આગ ચાંપી હતી. તોફાની તત્ત્વો એટલી હદે છાકટા બની ગયા હતા કે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજા થવા પામી હતી. પોલીસની જીપ પર પણ પથ્થરમારો કરાયો હતો અને કાચ ફોડી નાખ્યા હતા. તોફાની ટોળા બેકાબૂ થતાં તેને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસ હજી તો રાહતનો શ્વાસ લે તે પહેલાં અસામાજિક તત્ત્વોએ ફરી એક વાર શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસે કડક કાર્યવાહી કરીને તોફાનીઓને નિયંત્રણમાં લઈ લીધા હતા.
બીજી તરફ આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલા શક્કરપુરામાંથી પ્રભુ શ્રીરામની શોભાયાત્રા નીકળી ત્યારે અસામાજિક તત્ત્વોએ શોભાયાત્રાને ટાર્ગેટ કરીને તેના પર પથ્થરમારો કર્યો હતો.

તોફાની તત્ત્વોએ એક દુકાન તેમ જ કેટલાક લારી- ગલ્લાને આગ ચાંપી દીધી હતી. જોકે ફાયરબ્રિગેડે ઘટના સ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કાફલા ઘટના સ્થળે પહોંચી જઈને મામલો કાબૂમાં લીધો હતો.

gujarat gujarat news shailesh nayak