'વાયુ'ને કારણે રાજકોટની સ્કૂલોમાં 13 તારીખે રજા જાહેર, NDRF તૈનાત

11 June, 2019 04:51 PM IST  |  રાજકોટ

'વાયુ'ને કારણે રાજકોટની સ્કૂલોમાં 13 તારીખે રજા જાહેર, NDRF તૈનાત

Image Courtesy: IMDAHmedabad.com

સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠેથી માત્ર 700 કિલોમીટર જેટલું જ દૂર રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગોને એલર્ટ પર મૂકી દીધા છે. રાજ્યના દરિયા કાંઠે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. રાજકોટમાં 13 જૂનના રોજ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. સલામતીના ભાગ રૂપે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે 13 જૂનના રોજ શાળા અને કોલેજો બંધ રાખવા આદેશ કર્યો છે.

તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો પણ રાજકોટ પહોંચી ચૂકી છે. રાજકોટમાં NDRFની 3 ટીમો તૈનાત કરાઈ છે. ઉના અને વેરાવળમાં પણ સાંજ સુધીમાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત આર્મીની 10 કંપનીની મદદ પણ લેવામાં આવશે. ગીર સોમનાથના કાંઠા વિસ્તારના 40 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 'વાયુ'નો ખતરોઃ વાવાઝોડા સમયે સલામત રહેવા આટલી વાતોનું રાખો ધ્યાન

સાવચેતીના ભાગ રૂપે સુરતના ડુમસ અને ગોલ્ડન બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવાયા છે. લોકો બીચ પર ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલું લૉ પ્રેશર હવે વાવાઝોડું બની ચૂક્યુ છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાયું વાવાઝોડું આવતીકાલે એટલે કે બુધવારે સાંજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. જેને પગલે તંત્ર દ્વારા સલામતીના સઘન પગલાં લેવાઈ રહ્યા છે.

gujarat rajkot news