વેડફાટને ગુડબાય: રબારી સમાજનો ઐતિહાસિક નિર્ણય, ન રિંગ સેરેમની કે પ્રી-વેડિંગ શૂટ

09 August, 2022 09:00 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં સમાજની બેઠકમાં લગ્ન, સગાઈ, સીમંત, જન્મદિવસ, બેસણાં જેવા સામાજિક પ્રસંગના રીતરિવાજમાં કર્યા સુધારા, રક્ષાબંધનથી નવું બંધારણ અમલમાં આવશે

અમદાવાદમાં મળેલી ગુજરાત માલધારી મહાપંચાયતની બેઠકમાં ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો

માલધારી રબારી સમાજમાં આર્થિક નુકસાન કરતા અને સમય વેડફતા કુરિવાજોને તિલાંજલિ આપીને આવકારદાયક પહેલાં કરતાં સમાજમાંથી સૂચનો મગાવ્યા બાદ અમદાવાદમાં મળેલી ગુજરાત માલધારી મહાપંચાયતની બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને રબારી સમાજે લગ્ન, સગાઈ, સીમંત, જન્મદિવસ, બેસણાં જેવા સામાજિક પ્રસંગના રીતરિવાજમાં સુધારા કર્યા છે અને રક્ષાબંધનથી નવું બંધારણ અમલમાં આવશે.

ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે અમદાવાદમાં સમાજની બેઠક મળી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સમાજના આગેવાનો, મહંતો, જુદાં-જુદાં સંગઠનોના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. સમાજમાં લગ્ન, મરણ, સીમંત, જન્મદિવસ સહિતના પ્રસંગે આર્થિક રીતે નુકસાન કરતા અને સમય વેડફતા રિવાજો બંધ કરવા માટેનાં સમાજમાંથી સૂચનો મગાવ્યાં હતાં. સમાજની જૂની પરંપરા કાઢી નથી નાખવી, પણ ઓછી કરવી છે તેમ જ જરૂરી સુધારા કરવા વિશે આગેવાનોમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ચર્ચા-વિચારણા ચાલતી હતી. આગેવાનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા છે.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘સમાજના આગેવાનોએ બેઠકમાં નિર્ણય કર્યો હતો કે રિંગ સેરેમની કે પ્રી-વેડિંગ ફોટો-શૂટ જેવા રિવાજો બંધ કરવા, લગ્ન પહેલાં બોલાવવામાં આવતી ચાંલ્લા પ્રથા સદંતર બંધ, લગ્ન પ્રસંગે મહેંદી સેરેમની બંધ કરવી, સમય અને ખોટા ખર્ચના બચાવ માટે ડીજે-રાસ, બૅન્ડવાજાં અને લગ્નગીત માટે તેમ જ ગરબા કલાકાર લાવવા નહીં, કંકોતરી સાથે કવર, કપડાં આપવાં નહીં, કંકોતરી આપતી વખતે પહેરામણી આપવી કે લેવી નહીં, પલ્લામાં ૧૦ તોલાની મર્યાદામાં સોનાના દાગીના આપવા, સગાઈ વખતે સોનાનો દાગીનો આપવો નહીં, સગાઈમાં મોબાઇલની આપ-લે બંધ કરવામાં આવે, સગાઈનો રૂપિયો અને ગોળ ખાવાની વિધિ ઘરે જ રાખવી, હોટેલમાં રાખવી નહીં, સગાઈની વિધિમાં પાંચ માણસોની મર્યાદામાં જવું, સીમંતવિધિ ઘરમેળે સાદાઈથી જ કરવી, ફોટો-શૂટ બંધ તેમ જ સીમંતના વિડિયો વાઇરલ નહીં કરવા, સીમંત હોટેલમાં રાખવું નહીં, સીમંતમાં દાગીનો આપવો નહીં, સીમંત પછી ખરખબર લેવા જઈએ કે પાછળથી રમાડવા જાય તો ૧૧ માણસોની મર્યાદામાં જવું, બેસણું કોઈ પણ વારે કે દિવસે અને કોઈ પણ સમયે રાખી શકાશે, મરણમાં રોવા-કૂટવાનું સદંતર બંધ કરવું, બર્થ-ડેની ઉજવણી ઘરમેળે જ કરવી, હોટેલમાં કરવી નહીં, કોઈ પણ સામાજિક પ્રસંગે કે ધાર્મિક પ્રસંગોમાં જમીન પર ફૂલો પાથરવાં કે વેરવાં નહીં. આ સહિતના નિર્ણયો સમાજના આગેવાનો અને રબારી સમાજ સામાજિક રીતરિવાજ સુધારણા પરિષદ દ્વારા લેવાયા છે અને રક્ષાબંધનથી આ બંધારણનો અમલ કરવાનું નક્કી કરાયું છે.’

gujarat gujarat news shailesh nayak