PUBGના કારણે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ છે ચોંકાવનારું

26 June, 2019 06:55 PM IST  |  અમદાવાદ

PUBGના કારણે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ છે ચોંકાવનારું

મોબાઈલ ગેમ પબજીને કારણે વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો અમદાવાદના હીરાવાડી વિસ્તારનો છે. મળતી માહિતી પ્રમાણે મહિલાએ પોતાના પતિને પબજી ગેમ રમવાની ના પાડી હતી. પરિણામે પતિએ પોતાની પત્નીને ઢોર માર માર્યો. આ ઘટનાથી માઠું લાગી જતા મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો. ચોંકાવનારી વાત એ છે કે આ પતિ પત્ની છેલ્લા 13 વર્ષથી સુખી લગ્ન જીવન જીવતા હતા.

વિગતે વાત કરીએ તો ઘટના હીરાવાડીમાં આવેલી અંજનપાર્ક સોસાયટીની છે. અહીં રહેતા આશા પ્રજાપતિએ 2007માં નીલેશ પ્રજાપતિ સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા 13 વર્ષથી બંને સાથે છે. પરંતુ રવિવારે અચાનક જ તેમના સંબંધો એવા વણસ્યા કે આશાબેને આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો. વધુ ચોંકાવનારી વાત એ છે કે બંને વચ્ચે ઝઘડાનું કારણ મોબાઈલ ગેમ પબજી બની. પબજીને કારણે જ આશાબહેને આપઘાતનો પ્રયાસ કર્યો.

આશાબેને આપેલી માહિતી પ્રમાણે છેલ્લા છ મહિનાથી તેમના પતિ તેમને ત્રાસ આપી રહ્યા હતા. આ અગાઉ પણ આશાબહેને પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવી હતી. ઘટના બની તે દિવસે એટલે કે રવિવારે તેમના પતિ મોબાઈલમાં પબજી રમી રહ્યા હતા. પરંતુ આશા બહેને પબજી રમવાની ના પાડતા તેમના પતિ નિલેશભાઈએ તેમને ઢોર માર માર્યો. આ વાતથી માઠુ લાગી જતા આશાબહેને આપઘાતનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચોઃ પબ્જી પાર્ટનર સાથે પ્રેમ પાંગરતાં પરિણીતાએ પતિ પાસેથી છૂટાછેડા માગ્યા

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પબજી પર પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે. ત્યારે પબજીએ અમદાવાદના આ યુગલના જીવનને જ વેર વિખેર કરી દીધું. પબજીનો મામલો એટલો વિકરાળ બન્યો કે સાસુ-સસરાએ પણ પુત્રવધુ આશા બહેનને અપશબ્યો કહ્યા અને વાત છૂટાછેડા સુધી પહોંચી.. ત્યારે આ સમગ્ર મામલે આશાબહેનએ પતિ સહીત પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. તો પોલીસ દ્વારા પણ અપીલ કરી રહી છે કે, આવા પ્રકારની ગેમની લતને છોડાવી જોઈએ.

ahmedabad Crime News gujarat news