બાપુની તપોભૂમિ પર આવીને શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થાય છે : રાષ્ટ્રપતિ

04 October, 2022 09:21 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સર્વોચ્ચ હોદ્દો સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલાં દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં સુકૂન મહસૂસ કર્યું 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચરખા પર સૂતર કાંતવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદી, ટ્રસ્ટી તેમ જ જયેશ પટેલ હાજર હતા.

દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં સુકૂન મહેસૂસ કર્યું હતું અને વિઝિટર્સ-બુકમાં પોતાના અનુભવ ટાંકતાં લખ્યું હતું કે મહાત્મા ગાંધીની તપોભૂમિ પર આવીને મારામાં શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થાય છે.

દેશનાં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાબરમતી આશ્રમની મુલાકાત લઈને તેમના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. તેઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ગાંધીજીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. દ્રૌપદી મુર્મુએ હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્ર પર સૂતરની આંટી ચડાવી વંદના કરી હતી તેમ જ હૃદયકુંજની પરસાળમાં મૂકવામાં આવેલા ચરખા પર તેમણે હાથ અજમાવી સૂતર કાંત્યું હતું.

સાબરમતી આશ્રમની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાબરમતી આશ્રમની વિઝિટર્સ-બુકમાં પોતાના અનુભવ લખતાં જણાવ્યું હતું કે સાબરમતીના સંત, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર તપોભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થાય છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામના કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને ગહન શાંતિનો અનુભવ થાય છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવનવૃત્તના અણમોલ વારસાને સરાહનીય ઢંગથી સાચવી રાખવામાં આવ્યો છે એ બદલ હું સાબરમતી આશ્રમની સારસંભાળ રાખનાર તમામ લોકો પ્રત્યે મારી પ્રશંસા અભિવ્યક્ત કરું છું.’

રાષ્ટ્રપતિની મુલાકાત સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદી, ડાયરેક્ટર અતુલ પંડ્યા તેમ જ ટ્રસ્ટી નીતિન શુક્લએ સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાણકારી આપી હતી.

gujarat gujarat news droupadi murmu ahmedabad