રથયાત્રા માટે વિમેન પાવરની મદદ લેશે પોલીસ

25 June, 2022 12:06 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

રથયાત્રાના રૂટ પરના વિસ્તારોની મહિલાઓ સાથે પોલીસ યોજી રહી છે મીટિંગ, રથયાત્રામાં કોઈ વિઘ્ન ન આવે અને પબ્લિકનો સાથ મળી રહે એ માટે પોલીસના સઘન પ્રયાસો

અમદાવાદ શહેર પોલીસે મહિલાઓ સાથે બેઠક યોજી હતી. એમાં અનેક મહિલાઓ આવી હતી.

અમદાવાદમાં રથયાત્રા સુખરૂપ સંપન્ન થાય એ માટે શહેર પોલીસે પહેલી વાર કર્યો મહિલાઓના સાથનો નવતર પ્રયાસ : રથયાત્રાના રૂટ પરના વિસ્તારોની મહિલાઓ સાથે પોલીસ યોજી રહી છે મીટિંગ, રથયાત્રામાં કોઈ વિઘ્ન ન આવે અને પબ્લિકનો સાથ મળી રહે એ માટે પોલીસના સઘન પ્રયાસો

ગુજરાતના અમદાવાદમાં આ વર્ષે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ વિઘ્ન ન આવે અને પબ્લિકનો સાથ મળી રહે એ માટે અમદાવાદ શહેર પોલીસે સઘન પ્રયાસો હાથ ધર્યા છે અને એના ભાગરૂપે રથયાત્રા સુખરૂપ સંપન્ન થાય એ માટે પોલીસે પહેલી વાર મહિલાઓના સાથનો નવતર પ્રયાસ કર્યો છે અને રથયાત્રાના રૂટ પરના વિસ્તારોની મહિલાઓ સાથે પોલીસ મીટિંગો યોજી રહી છે. 
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગઈ કાલે કહ્યું હતું કે ‘રથયાત્રાનો માહોલ સારો અને સૌહાર્દપૂર્ણ બની રહે એ માટે મહિલાઓ મોટો રોલ પ્લે કરી શકે છે એટલા માટે આ વર્ષે રથયાત્રામાં મહિલાઓનો સાથ મેળવવાનો નવતર પ્રયાસ કરી રહ્યા છીએ. શહેર પોલીસની પાંચ મહિલા આઇપીએસ ઑફિસરોએ મહિલાઓ સાથે અત્યાર સુધીમાં સાત બેઠકો કરી છે અને સહયોગ માટે વાત કરી છે. રથયાત્રામાં મહિલાઓ સકારાત્મક રીતે કાર્યરત રહે એ માટે બેઠકો કરી રહ્યા છીએ. મહિલા અધિકારીઓ શહેરની મહિલાઓ સાથે સંવાદ કરી રહી છે. મહિલાઓ સહયોગ કરે તો રથયાત્રાનો માહોલ સારો બની રહેશે.’
સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે ‘આ વર્ષે પબ્લિક, મંદિર પ્રશાસન અને ગુજરાત સરકારને સાથે લઈને રથયાત્રા સારી રીતે યોજાય એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ધાર્મિક આગેવાનો સાથે અત્યાર સુધીમાં ૨૫ બેઠકો યોજી છે. રકતદાન શિબિર યોજી જેમાં ૧૨૨૫ યુનિટ એકઠા થયા હતા. રથયાત્રાના રૂટ પર મહોલ્લા સમિતિઓની ૫૦ મીટિંગો અને શાંતિ સમિતિની પણ ૫૦ મીટિંગો યોજી છે. આ ઉપરાંત પહેલી વાર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી હતી જેમાં ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. અમે અખાડિયનોને દૂધ તેમ જ પ્રોટીન પાઉડર આપ્યાં, રથ ખેંચતા ખલાસી ભાઈઓને હૅન્ડ-ગ્લવ્ઝ આપ્યાં, ભજન મંડળીઓ સાથે અમે સ્નેહ મિલન કરવાના છીએ.’
સુરક્ષા વ્યવસ્થાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘૨૫ હજારથી વધુ પોલીસ-કર્મચારીઓ રથયાત્રાની સુરક્ષા માટે તહેનાત રહેશે. આ વર્ષે રથયાત્રામાં ૨૫૦૦ જેટલા બૉડીવર્ન કૅમેરાનો ઉપયોગ કરાશે એ પૈકી ૨૩૮ કૅમેરા લાઇવ હશે. અમે પહેલી વાર ૨૫ ટ્રેઝર ગનનો ઉપયોગ કરીશું. આનાથી કોઈનું મૃત્યુ ન થાય પણ આરોપી હોય તેને પકડી શકાય.’  

રથયાત્રામાં પોલીસ બૉડીવર્ન કૅમેરાનો ઉપયોગ કરશે. એ કૅમેરા સાથે પોલીસ-કર્મચારી.

gujarat gujarat news shailesh nayak Rathyatra