સરકારે મહિલાઓ માટે પસંદગીના ક્ષેત્રમાં કામ કરવાના તમામ દરવાજા ખોલી દીધા

19 June, 2022 10:04 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે, આ દીકરો માતૃભક્તિથી એનું કામ કરી રહ્યો છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભામંડપની વચ્ચે ખુલ્લી જીપમાં આવ્યા હતા

 ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત વડોદરામાં ગઈ કાલે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘૨૧મી સદીના ભારતના તેજ વિકાસ માટે મહિલાઓનો તેજ વિકાસ અને સશક્તીકરણ એટલું જ જરૂરી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મોદીએ સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. સવારે જન્મદાત્રી માના આશીર્વાદ લીધા એ બાદ જગદ જનની મહાકાળીના આશીર્વાદ લીધા અને હવે મને માતૃશક્તિનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમારી સરકારે મહિલાઓ માટે પોતાની પસંદગીના ક્ષેત્રમાં કામ કરવાના તમામ દરવાજા ખોલી દીધા છે. મહિલાઓના જીવનચક્રને, દરેક પડાવને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ બનાવી છે.’

નરેન્દ્ર મોદીએ વડોદરાના જૂના સાથીઓને યાદ કરતાં તેઓ ગળગળા થયા હતા, ભાવુક થયા હતા. તેઓએ કહ્યું હતું કે ‘વડોદરા આવો એટલે બધું જૂનું યાદ આવે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો છે. મારી વિકાસયાત્રામાં વડોદરાનું પણ યોગદાન ક્યારેય ન ભૂલી શકું.’

આ જાહેર સભામાં પહેલી વાર એવી ઘટના બની કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ સ્ટેજ પર નહીં પણ સભામંડપની વચ્ચે ખુલ્લી જીપમાં આવ્યા હતા. 

gujarat gujarat news narendra modi vadodara