હીરાબાનાં ચરણ પખાળી નરેન્દ્ર મોદીની માતૃવંદના

19 June, 2022 10:08 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ પોતાની માતા હીરાબાના ૧૦૦મા જન્મદિન નિમત્તે ગાંધીનગર પાસે આવેલા તેમના નિવાસસ્થાને વહેલી સવારે જઈને હીરાબાના જન્મદિનને ભાવપૂર્ણ રીતે ઊજવ્યો હતો

નરેન્દ્ર મોદીની માતૃવંદના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ ગઈ કાલે જીવનના શતાયુમાં પ્રવેશ કર્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ પોતાની માતા હીરાબાના ૧૦૦મા જન્મદિન નિમત્તે ગાંધીનગર પાસે આવેલા તેમના નિવાસસ્થાને વહેલી સવારે જઈને હીરાબાના જન્મદિનને ભાવપૂર્ણ રીતે ઊજવ્યો હતો. નરેન્દ્ર મોદીએ હીરાબાના પગ કથરોટમાં મૂકીને પખાળ્યા હતા એ પછી નૅપ્કિનથી લૂછીને એ જળ તેમણે આંખે લગાવ્યું હતું. મોદી હીરાબાને હાર પહેરાવી શાલ ઓઢાડીને તેમને પગે લાગ્યા હતા અને ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. તેમણે માતાનું મોઢું મીઠું કરાવ્યું હતું. 
હીરાબાએ પણ દીકરાના માથે બે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી માતાના પગ પાસે બેસી ગયા હતા અને સુખ-દુઃખની વાતો કરી હતી. તેમણે હીરાબા સાથે ઘરમાં આવેલા મંદિરમાં ભગવાનની આરતી કરી હતી અને પ્રભુનાં દર્શન કર્યાં હતાં. એ પછી મોદીએ માતૃવંદના કરી હીરાબાને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની શુભેચ્છા આપી હતી.

gujarat gujarat news narendra modi