PM મોદી ફરી આવશે ગુજરાત, રાજકોટને આપશે આ મહત્વની ભેટ

24 September, 2019 01:06 PM IST  |  રાજકોટ

PM મોદી ફરી આવશે ગુજરાત, રાજકોટને આપશે આ મહત્વની ભેટ

વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં ફરી વતન ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગાંધી જયંતી નિમિત્તે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આ જ દિવસે વડાપ્રધાન મોદી રાજકોટને એઈમ્સની ભેટ આપશે. 150મી ગાંધી જયંતી નિમિત્તે વડાપ્રધાન મોદી રાજકોટમાં એઈમ્સનું ખાતમૂહુર્ત કરશે, સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક.બા. ગાંધીના ડેલાની મુલાકાત લશે. સાથે જ રાજકોટમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટને એઈમ્સ મળવાની જાહેરાત લાંબા સમય પહેલા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટના પરાપીપડિયા અને ખંઢેરી પાછળની 120 એકર જમીન પર એઈમ્સનું નિર્માણ થશે. એઈમ્સ માટે રાજ્ય સરકારે આ જમીન નિશુઃલ્ક આપવા કહ્યું છે. કેટલાક સમય પહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજકોટમાં એઈમ્સને મંજૂરી મળી હોવાની જાહેરાત કરી હતી. રાજકોટમાં ખંઢેરી ગામ પાછળી જમીનની પસંદગી કેન્દ્ર સરકારે કરી છે. રાજકોટ ખાતે બનનારી એઈમ્સ પાછળ અંદાજે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

તો વડાપ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન ગાંધી જયંતીને લગતા કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. પીએમ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજર રહેશે. તો આ જ દિવસે અમદાવાદ રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોનું સંમેલન પણ યોજાશે. જેમાં ગુજરાતના 10 હજાર અને અન્ય રાજ્યોના 10 હજાર સરપંચો હાજર રહેશે. 150મી ગાંધી જયંતીના કાર્યક્રમમાં વિદેશી મહેમાનો પણ હાજર રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી યુઝ કરે છે આ કંપનીનો સ્માર્ટ ફોન અને નેટવર્ક

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા. 17 સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસે પીએમ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. તો જન્મદિવસે માતા હીરા બા સાથે ભોજન કરી આશીર્વાદ લીધા હતા.

narendra modi rajkot news ahmedabad gujarat