૩૧મી સુધીમાં પાટીદારના પ્રશ્નો નહીં ઉકેલો તો અમારી નવી રણનીતિ માટે તૈયાર રહેજો

05 October, 2021 09:52 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાટીદાર અનામત આંદોલનની ભૂપેન્દ્ર પટેલ સરકારને મહેતલ

ભૂપેન્દ્ર પટેલ

પાટીદારોના પડતર પ્રશ્નો વિશે ૩૧ ઑક્ટોબર સુધીમાં જો ગુજરાત સરકાર કોઈ જાહેરાત નહીં કરે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ પોતાની લડતની રણનીતિ જાહેર કરશે એવી રાજ્ય સરકારને મહેતલ આપતી જાહેરાત પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગઈ કાલે કરી હતી.

પાટનગર ગાંધીનગર પાસે આવેલા સરગાસણમાં ગઈ કાલે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી, જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળના પ્રતિનિધિઓ અને આંદોલનકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટીદાર સમાજની અનામતની માગણી બાબતે, પાટીદાર શહીદ પરિવારોને નોકરી આપવાની માગણીના ઉકેલ માટે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા પોલીસ-કેસ પાછા ખેંચવા બાબતે, બિનઅનામત વર્ગના નિગમ દ્વારા પડતી મુશ્કેલીઓ તેમ જ ગામ, તાલુકા અને જિલ્લા સ્તરે સામાજિક સંગઠન સહિતના મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થઈ હતી.

અલ્પેશ કથીરિયાએ શું કહ્યું?

આ બેઠક બાદ ‘પાસ’ના કન્વીનર અલ્પેશ કથીરિયાએ પત્રકાર-પરિષદમાં કહ્યું હતું કે ‘ગુજરાતના તાલુકા, જિલ્લાઓમાં આવનારા દિવસોમાં જઈને રણનીતિ સાથે નવી ટીમનું નવનિર્માણ થશે. ગુજરાતમાં નવા મુખ્ય પ્રધાન અને નવી સરકારને અમે આવેદનપત્ર પાઠવીશું. ૩૧ ઑક્ટોબર સુધી સરકાર સાથે ચર્ચા માટે તૈયાર રહીશું. આ દરમ્યાન સરકાર જાહેરાત નહીં કરે તો આગળ કયાં પગલાં લેવાં અને કઈ રીતની રણનીતિ નક્કી કરવી એ બાબતમાં દિવાળી પછી મળીને જાહેર કરીશું.’

હવે લડાઈ સમાજની

તેમણે વધુમાં કહ્યું કે ૧૪ યુવાનો શહીદ થયા તેમના પરિવારને નોકરી નથી આપી, ગુજરાતમાં પાટીદારો પર થયેલા ૨૫૦ એવા કેસ છે જે પાછા ખેંચવા જોઈએ એ નથી ખેંચાયા, ૪ રાજદ્રોહના કેસ છે એ પાછા ખેંચે એ માટે રજૂઆત કરીશું. હવે આ લડાઈ સમાજની છે. પાટીદાર સમાજનો સર્વે થવો જોઈએ. અમે માતૃસંસ્થાઓને સાથે રાખીને સમાધાનના પ્રયાસ કરીશું.’

gujarat gujarat news shailesh nayak